આશ્રમ રોડની માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદ, હજુ સુધી નિર્ણય ન આવતા શાળા ત્યાં જ ચાલુ રહેશે
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ પર આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલના ટ્રાન્સફર અંગે કરવામાં આવેલી દરખાસ્ત અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવતા શાળા હાલમાં તે જ બિલ્ડિંગમાં ચાલુ રાખવામાં આવશે.
શિક્ષણ વિભાગમાંથી દરખાસ્ત મંજૂર થયા બાદ વાલીઓની મંજૂરી લઈને શાળાને અન્યત્ર સ્થળે ખસેડવામાં આવશે. આશ્રમ રોડ પર આવેલી જાણીતી માઉન્ટ કાર્મેલના સંચાલકો દ્વારા સ્કૂલ જર્જરીત હોવાનો રિપોર્ટ રજૂ કરીને તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ વાલીઓના વિરોધ બાદ સરકારી એજન્સી ગેરીનો રિપોર્ટ કરાવવામાં આવતા શાળા જર્જરીત હોવાનું સામે આવ્યું છે.
આ મામલે ડીઇઓ દ્વારા શાળા આ જ સ્થળ પર ફરીવાર બાધવામાં આવશે તે પ્રકારની બાંહેધરી પણ માંગવામાં આવી હતી. ત્યારે તેનો રિપોર્ટ શિક્ષણ વિભાગમાં મોકલી આપવામાં આવ્યો છે અને હાલમાં તેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અમદાવાદના ડીઇઓએ જણાવ્યું હતું કે, હજુ સુધી શાળા ટ્રાન્સફર અંગે સરકારમાંથી કોઈ મંજૂરી આવી નથી. જેને કારણે શાળાને હાલમાં આશ્રમ રોડ સ્થિત બિલ્ડિંગમાં જ ચલાવવામાં આવશે. જો સત્ર શરૂ થયા બાદ સરકારની મંજૂરી આવશે તો વાલીઓ પાસેથી પણ મંજૂરી લેવામાં આવશે અને ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.