January 8, 2025

બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છેડતી, કાર્યવાહી કરવા આવેલી પોલીસ પર પથ્થરમારો; 16ની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના બોપલમાં કન્સ્ટ્રકશન સાઇટ પર યુવતીની છેડતી બાદ પથ્થરમારો થયો હતો. ટોળાએ કાર્યવાહી કરવા આવેલી પોલીસ પર હુમલો કર્યો હતો. બોપલ પોલીસે છેડતી અને રાયોટિંગને લઈને 3 ફરિયાદ નોંધીને 112 લોકોની અટકાયત કરી છે. જેમાંથી છેડતી અને પોલીસ પર હુમલો કરનારા સાઇટ સુપરવાઈઝર સહિત 16 લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, બોપલમાં આવેલા ઘુમા નજીક સ્વર્ણિમ સન નામની કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરો વચ્ચે થયેલી મારામારીની તપાસ કરવા ગયેલી પોલીસ પર મજૂરોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. એક યુવતીની છેડતી કરતા મજૂરો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. સ્વર્ણિમ સાઈટ પર મજુરી કરી રહેલા સુરેશની મંગેતરને નીલેશ પારઘી અને લક્ષ્મણ નામના બે યુવકોએ છેડતી કરી હતી. જેથી સુરેશ આરોપીઓને ઠપકો આપવા જતા આ સાઈટના સુપરવાઈઝર દિનેશ રોત તેના ભાઈ ક્રાંતિ રોત, નિલેશ પારગી, અનિલ ગરાસીયા, લક્ષ્મણ સહિતના આરોપીઓએ સુરેશને માર માર્યો હતો અને રૂમમાં પૂરી દીધા હતા.

સુરેશે તેના મિત્ર પ્રવિણ પટેલને મદદ માટે કોલ કર્યો હતો. ત્યારે આરોપીઓએ પ્રવિણ પર લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત પ્રવિણને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મારામારીની જાણ બોપલ પોલીસને થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચતા આરોપીના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરીને સેન્ટીંગના ધોકા અને લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને બોપલ પોલીસે જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધીને 16 આરોપીની ધરપકડ કરી છે.

યુવતીની છેડતી, મારામારી, રાયોટીંગ અને પોલીસ પર હુમલાને લઈને પોલીસ 112 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 16 આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. પકડાયેલા આરોપીઓ રાજેસ્થાનના ડુંગરપુરના રહેવાસી છે. જેમાં મુખ્ય સૂત્રધાર સાઈટ સુપરવાઈઝર દિનેશ રોત અને તેનો ભાઈ ક્રાંતિ રોત છે. જેમણે નીલેશ પારઘીને છેડતીના ગુનામાંથી બચાવવા સુરેશ અને તેની મંગેતરને રૂમમાં પૂરીને માર માર્યો હતો. આ ઉપરાંત ફરિયાદ લેવા ગયેલા બોપલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ચાવડાને મારવા માટે ટોળાને ઉશ્કેર્યા હતા.

આરોપીઓએ ટોળાને પોલીસ પોતાના માણસોને પકડવા આવી હોવાનું કહીને ઉશ્કેર્યા હતા અને પથ્થરમારો કરાવ્યો હતો. બોપલ પોલીસે આ બનાવને લઈને યુવતીની છેડતીની ફરિયાદ નોંધી છે. જ્યારે પ્રવિણ પટેલની મારામારી અને હેડ કોન્સેટબલ વિક્રમસિંહ ચાવડાની પોલીસ પર હુમલાને લઈને ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત સાઈટ પર સગીરવયના બાળકો મજૂરી કરતા મળી આવ્યા હોવાથી વધુ એક ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

બોપલ પોલીસે પકડેલા 112 આરોપીઓમાંથી 16 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 96 આરોપીઓની અટકાયતી પગલાં લીધા છે. આ રાયોટિંગમાં ટોળાને ઉશ્કેરવા પાછળ કોણ જવાબદાર છે તે મુદ્દે પોલીસે આરોપીઓની પૂછપરછ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.