July 4, 2024

પોલીસ-તંત્રની સામે લોકોની જાહેરમાં મહેફિલ, કારમાંથી બિયરના ટિન કાઢી ગટગટાવ્યાં

અમદાવાદઃ શહેરના રિંગ રોડ પર બોપલ પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થાર અને ફોર્ચ્યુનર કાર એકબીજા સાથે અથડાઈ હતી અને આ દુર્ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. એવા સમયે મોટી સંખ્યામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ફાયર વિભાગ અને અન્ય તંત્રના અધિકારીઓ હાજર હતા. ત્યારે કારમાંથી બહાર પડેલી બિયરની ટિન લોકો લઈને ગટગટાવતા હતા.

આ દુર્ઘટનામાં એક કાર દારૂ-બિયરની ખેપ મારતી હોવાનું સામે આવ્યું હતું. અથડામણને કારણે કારમાં રહેલો દારૂ-બિયરનો જથ્થો પણ નષ્ટ થવા પામ્યો હતો. પરંતુ જે જથ્થો સુરક્ષિત હતો, તે પબ્લિક લૂંટવામાં મસ્ત હતી. ત્યાં એક ભાઈ તો કોઈનીય શેહ-શરમ રાખ્યા વગર ખુલ્લેઆમ બિયરની ટિન ગટગટાવી રહ્યા હતા. પોલીસ અને તંત્ર એકબાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની જાહેરમાં વાતો કરતાં થાકતા નથી અને બીજી બાજુ આ દૃશ્ય કંઈક અલગ જ વાસ્તવિકતા બતાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં અકસ્માત મામલે FSL તપાસમાં મોટો ખુલાસો, આટલી હતી બંને કારની સ્પીડ

શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના બોપલમાં વકીલ બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક કારચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. આ મામલે અકસ્માત અને દારૂની હેરાફેરીના બે ગુના નોંધવામાં આવ્યા છે. ત્યારે નવા કાયદા પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ, FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. FSLની તપાસમાં ફોર્ચ્યુનર કારની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક અને થારની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું સામે આવ્યું છે. દારૂની ડિલિવરી કરવા માટે કાર રાજસ્થાનથી નડિયાદ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો.