September 15, 2024

અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીની આત્મહત્યા, બે આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ માતા-પિતાની બીમારીના ઈલાજ માટે વ્યાજખોરના ચક્રવ્યૂહમાં ફસાયેલા વેપારીએ આપઘાત કર્યો છે. વેપારીએ બે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને સ્યૂસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે. ઓઢવ પોલીસે કોંગ્રેસના વિરાટનગર વોર્ડના પ્રમુખ સહિત 2 વ્યાજખોરની ધરપકડ કરી છે.

એમ્બ્રોડરીના વેપારી ડેનિમ પરમારે સુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે, ‘હું મારી મરજીથી નહીં દેવાવાળાના ડરથી આ પગલું ભરું છું. હું બહુ કંટાળી ગયો છું. હું દેવામાં ભરાઈ ગયો છું. 1 મહિનાથી મંદી અને મારી તબિયત મારી હિંમત હારી ગયો છું. યોગેશ જૈનને હું વ્યાજ આપું છું અને બે-ત્રણ મહિનાથી મારી પરિસ્થિતિ સારી નથી પણ તે સમજવા તૈયાર નથી. વ્યાજ માટે તેને મને રસ્તામા રોકી ધમકી આપી ગાળો બોલી હતી. તેમજ પ્રમોદ શાહની જોડે તેને મને 1.90 લાખની લોન લઈ આપી હતી. હું 7730નો હપ્તો ભરતો હતો એને 17-18 મહિના ભર્યો પણ પણ એક હપ્તો તેને ભર્યો પછી તે પણ મારી સાથે ખરાબ વ્યવહાર કરવા લાગ્યો પ્રમોદ સાથે મને 3 લાખની કાગળ ઉપર સહી કરાવી છે. બેનો મને માફ કરજો મારા દીકરાનું ધ્યાન રાખજો અને નીલમ મને માફ કરી દેજે મારાથી હવે નહીં સહેવાતું. અત્યાર સુધી મારો સાથ આપી તે બદલ થેંક્યૂ’.

ડેનિમ પરમારે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. માતા-પિતાની બીમારીના ઈલાજ માટે વ્યાજખોરના ચુંગાલમાં ફસાયેલા વેપારીએ જીવ ખોવો પડ્યો છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી યોગેશ જૈન અને પ્રમોદ શાહ છે. આ વ્યાજખોરના ત્રાસનો અસહ્ય ત્રાસ સહન ન થતા ડેનિમ પરમાર નામના વેપારીએ આપઘાત કર્યો છે. યોગેશ જૈન વિરાટનગરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ છે. જ્યારે મૃતક દુકાન ભાડે રાખીને એમ્બ્રોડરીનો વેપાર કરે છે. બંને વ્યાજખોરો મૃતકના મિત્રો હતા. 3 વર્ષ પહેલાં મૃતકના માતાની બંને કિડની ખરાબ થઈ ગઈ છે અને પિતાને પેરાલિસિસ થઈ જતા આ વ્યાજખોર પાસેથી પૈસા ઉધાર લીધા હતા. જેમાં યોગેશ જૈને 3 ટકાના વ્યાજે 1 લાખ ઉધાર આપ્યા હતા. જ્યારે પ્રમોદે 3 લાખનો લોન દ્વારા વ્યાજે પૈસા આપ્યા હતા. વેપારીને ધંધામાં મંદી આવતા 2 મહિનાથી વ્યાજ કે હપ્તો ભરી શક્યા નહોતા. જેથી વ્યાજખોરે ફોન કરીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યો હતો. રોડ પર રોકીને માર મારતા અને અપમાનિત કરતા હતા. જેથી વેપારીએ સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. આરોપીએ કોરા ચેક અને લખાણમાં સહીઓ કરાવીને ધમકી પણ આપતા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

વ્યાજખોરના ત્રાસથી વધુ એક પરિવારનો માળો વિખેરાયો છે. ઓઢવ પોલીસે આપઘાત કેસમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બંને વ્યાજખોરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યાજખોર સિવાય અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, એક બાજુ શહેર પોલીસે વ્યાજખોર પર અંકુશ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે પણ આવા વ્યાજખોર બેફામ બન્યા છે. જેને લઇ લોકો ત્રાસથી આપઘાતનું અંતિમ પગલું આપનાવી રહ્યા છે.