કેન્દ્ર સરકારનો ‘પાસપોર્ટ મોબાઇલ વેન’ પ્રોજેક્ટ ધૂળમાં?
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મોબાઇલ પાસપોર્ટ વેન અમદાવાદની પાસપોર્ટ કચેરી ખાતે ધૂળ ખાઈ રહી છે. પહેલી જૂનથી રાજ્યમાં પ્રથમવાર મોબાઇલ વેન શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે શરૂ ન થતા સમગ્ર યોજનાનું બાળમરણ થયું હોય તેમ લાગી રહ્યુ છે.
મોટી સંખ્યમાં લોકો હાલ વિદેશ જઈ રહ્યા છે. ત્યારે પાસપોર્ટ માટે દોઢથી બે મહિના સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે. તેવામાં અરજદારોએ પાસપોર્ટ ઓફિસના ધક્કા ન ખાવા પડે તે માટે અમદાવાદમાં હરતી ફરતી પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વેન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે પહેલી જૂનથી શરૂ થવાની હતી. પરંતુ હજુ સુધી સેવા શરૂ કરવામાં આવી નથી અને વેન પાસપોર્ટ ઓફિસમાં ધૂળ ખાય છે. ગત મે મહિનાથી અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં પાર્ક આ વેન શરૂ થવાની લોકો રાહ જોઈ રહ્યા છે.
આ એક્સલન્સ વેન કચેરીથી અરજદારો નવા પાસપોર્ટની અરજી કરી શકશે. આ સાથે તેમના ડોક્યુમેન્ટ સ્કેનિગ, વેરિફિકેશ, ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફી સહિતની પ્રક્રિયા થઈ શકશે. આ ઉપરાંત એપોઈમેન્ટ બુક કરતી વખતે પાસપોર્ટ સેવા કેન્દ્રની સાથે સાથે વેનનો પણ ઉપયોગ લોકો શકે છે. ખાસ કરીને આ વેનનો ઉપયોગ સિનિયર સિટીઝન માટે ઉપયોગી બની શકે તેમ છે. પરંતુ હાલ તો છેલ્લા દોઢ મહિનાથી આ વેન પાસપોર્ટ કેન્દ્રમાં ધૂળ ખાઈ રહી છે.