ચંડોળા તળાવ વિસ્તારના રહેવાસીઓની HCમાં અરજી, કહ્યું – કોઈપણ નોટિસ વગર કાર્યવાહી

Ahmedabad Chandola Lake Mega Demolition: શહેરના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી પહેલાં નવો વળાંક સામે આવ્યો છે. રાતોરાત કેટલાક સ્થાનિકોએ ગુજરાત હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે, 18 સ્થાનિકોએ સંભવિત ડિમોલિશન કામગીરી સામે હાઇકોર્ટમાં સવાલ ઉઠાવ્યા છે. હાઇકોર્ટમાં પરશુરામ જયંતિની જાહેર રજા હોવાથી તત્કાલ સુનાવણીની માગ પણ કરવમાં આવી છે.

અરજદારોએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, તેઓ છેલ્લા 60 વર્ષથી ચંડોળા તળાવ વિસ્તારમાં રહી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કોઈપણ જાતની નોટિસ વિના જ કાર્યવાહી થતી હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે. બડા ચંડોળા, શાહઆલમ, નવાબનગર અને ફુલગીરીના છાપરાના રહેવાસીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. અરજદારો કહી રહ્યા છે કે, અમારી પાસે રાશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇલેક્ટ્રિક બિલ સહિતના ભારતીય હોવાના પુરાવા છે.