અમદાવાદનું ‘મિની બાંગ્લાદેશ’, પશ્ચિમ બંગાળથી ઘુસણખોરી કરી સીધા અહીં આવતા…

અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલું છે ‘મિની બાંગ્લાદેશ’. આ 70 લાખથી વધુ વસતિવાળા શહેરમાં 5,000 ઝૂંપડપટ્ટીનું ‘મિની બાંગ્લાદેશ’ ઊભું કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર રીતે ઘૂસેલા બાંગ્લાદેશીઓએ તળાવમાં ગેરકાયદે ઝૂંપડીઓ બાંધી દીધી છે.

મળતી માહિતી પ્રમાણે, વર્ષ 1980 અને 1990ના દાયકાથી ગુજરાતમાં બાંગ્લાદેશીઓની ઘુસણખોરી વધી રહી છે. મુઘલકાળમાં આ ચંડોળા તળાવ બનાવવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળની બોર્ડર બાંગ્લાદેશને અડે છે અને મોટાભાગે ત્યાંથી જ બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસી રહ્યા છે. તેઓ પશ્ચિમ બંગાળ મારફતે ઘુસીને અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે.

ચંડોળા તળાવ વિસ્તારમાં જુદા-જુદા વોર્ડ બનાવી દેવામાં આવ્યા છે. ડિપોર્ટ કર્યા પછી પણ ઘુસણખોરી કરીને બાંગ્લાદેશીઓ અહીં પાછા આવી જાય છે. ક્રાઈમ બ્રાન્ચે થોડા સમય પહેલાં જ 50 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. બાંગ્લાદેશીઓ કામકાજના બહાને બાંગ્લાદેશની સગીર યુવતીઓને લાવતા હતા અને તેમને દેહવ્યપારના વ્યવસાયમાં ધકેલતા હતા.

પીરાણાથી પ્રોસેસ કરેલો કચરો લાવીને ચંડોળા તળાવનું પુરાણ કર્યું હતું અને ત્યાં જ બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર આખી વસાહત ઊભી કરી નાંખી હતી. છેલ્લા 14 વર્ષમાં 1 લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પર પુરાણ કરાયું છે.