બોપલના Club O7માં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીમાં દરોડા, 9ની અટકાયત

અમદાવાદઃ શહેરના પોશ એરિયામાં દારૂ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. ક્લબ ઓ7માં બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં મહિલા સહિત 9 લોકોની અટકાયત કરવામાં આવી છે.

બોપલ પોલીસે આ મામલે હેમલ દવે, ચિરાગ ધાનક, આશુતોષ શાહ, રાહુલ ગોસ્વામી, રિતીકા શર્મા, ભાવેશ પવાર, શનિ પંડ્યા સહિત 9 લોકોની અટકાયત કરવામાં આવી છે. બોપલ પોલીસે એક મહિલા સહિત 9 સામે ફરિયાદ દાખલ કરી છે.

Club O7માં મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનો પ્રોગ્રામ હતો. આ પાર્ટીમાં મોજ-શોખ માટે 100થી વધુ લોકો જોડાયા હતા. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી પ્રમાણે, આ તમામ લોકો ગર્ભશ્રીમંત પરિવારમાંથી આવે છે. હાલ આ ઘટનાને પગલે બોપલ પોલીસ સ્ટેશન બહાર BMW, Z4, એન્ડવર, ફોર્ચ્યુનર સહિતની કારનો કાફલો જામ્યો હતો.

Club O7ના ધ ફોરમ હોલમાં ગઈકાલે રાત્રે મ્યુઝિકલ ડાન્સ પાર્ટીનો કાર્યક્રમ હતો. જેમાં દરોડા પાડતા બેઝમેન્ટ તથા મ્યુઝિકલ ડાન્સ પાર્ટીમાં આવેલા લોકો દારૂના નશામાં ઝડપાયા હતા. 6 આરોપી દારૂ પીધેલા મળી આવ્યા હતા, જ્યારે અન્ય 3 આરોપી બેઝમેન્ટમાં દારૂ સાથે મળી આવ્યા હતા. 27 વર્ષીય રિતિકા શર્મા શિવરંજની નજીક પીજીમાં રહે છે અને મૂળ ભરૂચની રહેવાસી છે. આ ઉપરાંત 8 પુરુષ આરોપી અમદાવાદના રહેવાસી છે. આ સાથે પોલીસે દારૂની 3 બોટલ, 1 બીયર ટીન, 2 BMW અને એક હોન્ડા સિટી સહિત કુલ 8,58,250 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ટેક્નો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાસ દ્વારા એન્ટ્રી આપવામાં આવતી હતી. આરોપી હેમલ દવે દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજક હેમલ દવે દારૂના નશામાં હોવાથી પ્રોહિબિશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાત્રે 12 વાગ્યા સુધીની પરમિશન હોવા છતાં 12.30 વાગ્યા સુધી પાર્ટી ચાલી રહી હતી. તેથી જાહેરનામાના ભંગ માટે અલગથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.