ભિક્ષાવૃત્તિ પાછળના કૌભાંડનો પર્દાફાશ, 26 આરોપીની ધકપકડ; મહિને 35 હજારની કમાણી!
મિહિર સોની, અમદાવાદઃ સ્માર્ટ સિટી અમદાવાદના ચાર રસ્તાઓ પર ભીખ માગતા લોકોને લઇને ક્રાઈમ બ્રાન્ચે એક મુહિમ ચાલુ કરી છે. તેની તપાસમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ ભિક્ષાવૃતિનાં નામે ચાલતું રેકેટ હોવાનું ખુલ્યું છે. હાલ આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે.
અમદાવાદ શહેર પોલીસે થોડા દિવસથી એક ડ્રાઈવ શરુ કરી છે. અમદાવાદના શહેરના ચાર રસ્તાઓ પર ભિક્ષાની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેને તમે થોડું પણ સામાન્ય ન સમજતા કારણ કે, એ ભિક્ષા પ્રવૃત્તિનાં નામે મોટું રેકેટ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેર પોલીસની અત્યાર સુધીની ડ્રાઇવમાં ભિક્ષા પ્રવૃતિમાં 42 બાળકી અને બાળકો ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને જેના દ્વારા આ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી હતી તેવા 26 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં ધરપકડ કરાયેલા મોટાભાગના બાળકો માતા-પિતા અથવા સગા સંબંધીઓ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે ભિક્ષાવૃત્તિ કરાવનારાની પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, એજન્ટો દ્વારા આ રેકેટ ચાલી રહ્યું છે. બાળકો પાસેથી જે આ કામ કરાવવામાં આવે છે તેના અવેજમાં માતા-પિતાને દર મહિને 35 હજાર આપવામાં આવે છે અને બાકીના રૂપિયા એજન્ટો લઈને જતા હતા. એજન્ટો ભીખ મંગાવવા માટે અમદાવાદના મુખ્ય ચાર રસ્તાની વહેંચણી માટેની હરાજી કરતા હતા. તેમાં જે ચાર રસ્તા પર સૌથી વધુ ભીખના પૈસાનું કલેક્શન થતું હોય એ ચાર રસ્તાની હરાજી કરવામાં આવતી હતી. એજન્ટ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. બાળકો તેમના માતા-પિતાને રોજના 1000થી 1500 રૂપિયા આપતા હતા.
હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી 26 આરોપીઓની ધરપકડ કરી છે અને 42 જેટલા બાળકોને અલગ અલગ સામાજિક સંસ્થાઓની મદદથી રહેવા અને શિક્ષણ આપવાના પ્રયાસ શરુ કર્યા છે.