January 5, 2025

ડિજિટલ એરેસ્ટ ગેંગમાં સામેલ રશિયન આરોપીની ધરપકડ, સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી

મિહિર સોની, અમદાવાદઃ કસ્ટમ ઓફિસર અથવા પોલીસ અધિકારીના ઓળખ આપીને ધમકાવી લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવતી ગેંગમાં સામેલ રશિયન આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે પુણેથી રશિયન આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ગેટ કીપર તરીકે કામ કરતો હતો. એટલે કે જે તે બેંક એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં ઠગાઉના રૂપિયા જમા થતા હતા. તેને જ્યાં સુધી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં ના આવે ત્યાં સુધી તેમની સામે હોટલમાં નજરકેદ રાખતા હતા. બે રશિયન ગેટ કિપર તરીકે ભારત આવતા હતા.

ડિજિટલ એરેસ્ટ કરીને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગનો આતંક પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે. જાગૃતતા માટેના અનેક પ્રયત્નો બાદ પણ હજી લોકો આવા ગઠિયાઓની જાળમાં ફસાઈ રહ્યાં છે. ત્યારે સાયબર ક્રાઇમે આ ગેંગ સાથે સંકળાયેલ વધુ એક વિદેશી આરોપીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે પુણેથી ટ્રાન્સફર વોરંટના આધારે રશિયન આરોપી એનાટોલીની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં એરેસ્ટ વોરંટ અને એરેસ્ટ સિઝર વોરંટ તથા કોન્ફિડેન્શિયલ એગ્રિમેન્ટના આધારે લેટર મોકલાવીને વૃદ્ધ પાસેથી રૂપિયા 17 લાખ પડાવી લીધા હોવાની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે અગાઉ ગોમતીપુરના મહેફુઝઆલમ અને નદીમખાન નામના બે આરોપીઓને ઝડપી લીધા હતા. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન રશિયન આરોપીનું નામ ખુલ્યુ હતું.

આરોપી નદિમખાન પઠાણ જે અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની કિટ સાથે મુંબઇમાં આવેલી ઇમ્પરિયલ હોટલમાં રોકાતો હતો. જ્યાં તે આ રશિયન આરોપી સાથે મુલાકાત કરતો જેને તે બેંક એકાઉન્ટની તમામ વિગતો આપતો હતો. નદીમખાન પઠાણ બેંક એકાઉન્ટ હોલ્ડર તથા એજન્ટને મુંબઈ અથવા ગોવાની હોટલમાં બોલાવી એકાઉન્ટમાં જમા થયેલા રૂપિયા તેમના ચાઇનીઝ વ્યક્તિના કહેવા પ્રમાણે અન્ય એકાઉન્ટમાં અથવા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવતા હતા. પકડાયેલા રશિયન આરોપીએ ગેટ કિપર તરીકેનું કામ કરતો હતો. એટલે કે જે તે બેંક એકાઉન્ટધારકના ખાતામાં મોટી રકમ જમા થવાની હોય તેવા લોકોને મુંબઈ અથવા તો ગોવા કોઈ હોટલમામં બોલાવતા હતા. જ્યાં સુધી આ વ્યક્તિના ખાતામાં જમા થયેલ રૂપિયા ટ્રાન્સફર ના થાય અથવા તો ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ ના થાય ત્યાં સુધી તેને નજર સમક્ષ રાખતા હતા.

પકડાયેલો રશિયન આરોપીને જે-તે રકમમાંથી 10થી 15 ટકા જેટલું કમિશન મળતું હતું. જ્યારે તે ટેલિગ્રામથી ચાઇનીઝ વ્યક્તિઓના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે, તે વર્ષ 2015થી આ રીતે કામ કરતો હતો અને અગાઉ પણ અનેક વખત તે ભારત આવી ચુક્યો છે. ગત વર્ષે તે ત્રણ વખત ભારત આવી ચુક્યો છે અને મોટાભાગે ગોવા અથવા મુંબઇમાં તે બેંક એકાઉન્ટધારકોને રાખતો હતો. હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરીને આ સિવાય અન્ય કોઇ ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.