19મી એપ્રિલે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો સેવા બપોરે 12.30 સુધી સ્થગિત રહેશે

અમદાવાદઃ મેટ્રો ટ્રેન સેવા અમદાવાદ-ગાંધીનગર (સેક્ટર-1/ગિફ્ટ સિટી) વચ્ચે સવારે 8 કલાકથી રાત્રિના 8.14 કલાક સુધી કાર્યરત છે. ત્યારે કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) તારીખ 19 એપ્રિલ, 2025ના રોજ સવારે 8 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી ગાંધીનગર રૂટ (મોટેરા સ્ટેડિયમથી સચિવાલય/ગિફ્ટ સિટી)નું નિરીક્ષણ કરશે. તેને લઈને મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1/ગિફ્ટ સિટી વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ એટલા સમય પૂરતી સ્થગિત રહેશે. ત્યારબાદ, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની બધી ટ્રેનો હાલના સમયપત્રક મુજબ દોડશે.
તારીખ 19 એપ્રિલના રોજ પહેલી ટ્રેનનો પ્રસ્થાન સમય સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમનો 12.58 કલાકે અને મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1નો 12.32 કલાકે રહેશે. અમદાવાદમાં ટ્રેન સેવાઓ (વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMCથી મોટેરા સ્ટેડિયમ) રાબેતા મુજબ જ દોડશે.