January 19, 2025

ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં આર્થિક ગોટાળો, એક પ્રોફેસરની ધરપકડ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં બહુચર્ચિત આર્થિક ગોટાળા મામલે અંતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે આરોપી તરીકે પ્રોફેસર ડો. કમલજીત લખતરીયાની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિભાગનાં અધ્યાપક અજય દાસેને ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કર્યા હતા. તેના આધારે ફરિયાદ નોંધાઈ હતી. કમલજીત લખતરિયા વર્ષ 2015થી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડિનેટર તરીકે કાર્યરત છે. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ 30 પ્રકારના કોર્સ ચાલે છે. જે કોર્સ ખાનગી કંપનીઓ સાથે MOU પ્રમાણે છે.

MOU પ્રમાણે નોલેજ પાર્ટનરને એનિમેશન કોર્સ માટે વિદ્યાર્થીઓની ફી પેટે આવતી રકમમાંથી 70% એજન્સીને અને 30 ટકા રકમ યુનિવર્સિટીના ભાગે જવાની હતી. જો કે, કોઓર્ડિનેટર કમલજીત લખતરિયાએ હિસાબમાં મોટા ગોટાળા કર્યા હતા. ફરિયાદ પ્રમાણે, યુનિવર્સિટીના ફાળે આવતી 1.15 કરોડ જેટલી રકમ એકાઉન્ટમાં અને પોતાના પત્ની ઉપરાંત અન્ય એક એકાઉન્ટમાં પ્રોફેસર કમલજીતે બારોબાર જમા કરાવી લીધી હતી.

આ સિવાય પણ રૂપિયા 4.9 કરોડની રકમના હિસાબમાં પણ મોટા ગોટાળા સામે આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના સતાધીશો દ્વારા કૌભાંડની તપાસ માટે નિવૃત્ત જજને જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં પણ પ્રોફેસર કમલજીત દ્વારા મોટી નાણાંકીય ઉચાપત થઈ હોવાનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે ફરિયાદ બાદ આ ગુનામાં અન્ય કોઈ આરોપી છે કે કેમ વગેરે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરી છે.