અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

અમદાવાદઃ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું. જેદ્દાહથી અમદાવાદ આવેલી ઇન્ડિગોની ફલાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતા જ સુરક્ષા એજન્સી તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને ફ્લાઇટમાં ચકાસણી હાથ ધરી હતી. ચકાસણી બાદ શંકાસ્પદ કશું ન મળતા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ધમકી બાદ સ્થાનિક પોલીસ, સુરક્ષા એજન્સીઓ તેમજ ફાયર વિભાગે એરપોર્ટ પર બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, ધમકીને પગલે એરપોર્ટ પર સુરક્ષાનો વધારો કરવામાં આવ્યો હતો.