ઇસ્કોન પ્લેટિનમમાં આગનો મામલો; મહિલાનું સારવાર દરમિયાન મોત, એક બાળકી ગંભીર
અમદાવાદઃ શહેરના ઇસ્કોન પ્લેટિનમમાં લાગેલી આગમાં ગૂંગળામણને કારણે સારવાર લઈ રહેલી મહિલાનું મોત નીપજ્યું છે. 56 વર્ષીય મીના શાહ નામના મહિલા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.ત્યારે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, મીનાબેન શાહના પતિને પણ ધુમાડાની અસર થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મીનાબેન પરિવાર સાથે 16મા માળે 1603 નંબરના ફ્લેટમાં રહેતા.
શું હતી સમગ્ર ઘટના?
બોપલ ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગના M બ્લોકમાં 8મા માળે આગ લાગી હતી. 8થી 12 માળની લોબીમાં આગ ફેલાઈ હતી. ત્યારબાદ 12થી 17 માળ સુધી આગ વિસ્તરી હતી. 17મા માળે ધુમાડો ફેલાયો હતો. ત્યારે આગને પગલે તાત્કાલિક ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. M બ્લોકના લોકો માટે ઇસ્કોન પ્લેટિનમ ખાતે બેંકવેટ હોલ, લોન્જ, યોગા રૂમ અને 5 ગેસ્ટ રૂમ ખોલી સ્થાનિકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 70 લોકોની રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 27 લોકોને ગૂંગળામણની અસર થતા અલગ અલગ 3 હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી હાલ એક બાળકીની હાલત કંભીર છે.