જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે વક્ફ બોર્ડની જમીનમાં ગેરકાયદેસર કબ્જો, 5ની ધરપકડ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ જમાલપુરમાં આવેલી કાચની મસ્જિદ પાસે આવેલી વક્ફ બોર્ડની જગ્યામાં ખોટા બોર્ડના ટ્રસ્ટી બની છેતરપિંડી કરનારા સામે પોલીસે ગુનો નોંધ્યો છે. વક્ફ બોર્ડે કોર્પોરેશનને આપેલી સ્કૂલની જગ્યા ઉપર આરોપીઓએ ગેરકાયદે કોમ્પલેક્ષ બનાવી દીધું હતું. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે સલીમ ખાન જુમ્મા ખાન સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ કોર્પોરેશનની સંકલન સમિતિમાં ધારાસભ્યએ કાચની મસ્જિદ આગળ આવેલી મનપાની સ્કૂલ અંગે ફરિયાદ કરી હતી. આ સાથે આરોપી સલીમ ખાનની કરતૂત બહાર આવી હતી. આરોપીઓ વક્ફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં વક્ફ બોર્ડની મિલકતમાં રહેતા ભાડુઆત પાસેથી ભાડુ વસુલતા હતા. વક્ફ બોર્ડે અમદાવાદ મહાનગરપાલિકાને સ્કૂલ ચાલવવા માટે ભાડાપટ્ટે જગ્યા આપી હતી. જ્યાં મનપાએ ઉર્દુ શહદ નંબર 7 અને 9 ચાલતી હતી. વર્ષ 2002ના ભૂકંપમાં શાળા જર્જરિત થતા બંધ કરાઈ હતી. આ જગ્યા ઉપર પર શાળા તોડી સલીમખાને કોમ્પ્લેક્ષ ઉભું કર્યું હતું.
સલીમ ખાન અને આરોપીઓ વક્ફ બોર્ડના ખોટા દસ્તાવેજ બનાવી ટ્રસ્ટી બન્યા હતા. 100 કરોડની જગ્યા પર બનેલા 150થી વધુ મકાનનાં ભાડુઆત પાસેથી ભાડું વસુલતા હતા. ખોટા ટ્રસ્ટી બની ભાડું ઉઘરાવતા સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ, મહમદ યાસર શેખ, મેહમુદખાન પઠાણ, ફેઝ મોહમદ ચોબદાર, સાહીદ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધી પાંચેય આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જ્યારે વક્ફ બોર્ડ અને મનપાનો અભિપ્રાય માગ્યો ત્યારે સામે આવ્યું કે ટ્રસ્ટી ખોટા બન્યા છે.
સલીમખાન જુમ્માખાન પઠાણ જમાલપુરનો કુખ્યાત વ્યક્તિ છે. સલીમ ખાન કાચની મસ્જીદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાનો દાવો કરતો હતો. સલીમ ખાને વક્ફ બોર્ડમાં ખોટું સોગંદનામું આપ્યું હતું. સલીમ ખાન અને તેની ટોળકી એક મકાનનું 2 હજારથી લઈ 8 હજાર રૂપિયા ભાડું વસૂલતા હતા. જ્યાં સ્કૂલની જગ્યાએ દુકાનો બનાવી હતી, તેનું ભાડું 10 હજાર વસૂલતો હતો. મકાનના ભાડુઆતો જયારે પણ પૂછતા કે આ ભાડું વક્ફ બોર્ડ સુધી પહોંચે છે કે નહીં તો સલીમ ખાન અને તેની ટોળકી તેમને ધમકાવી ડરાવતા હતા.
સ્કૂલની જગ્યાએ કોમ્પ્લેક્ષ બનાવ્યું ત્યાં એક દુકાનમાં સલીમે સોદાગર કન્સ્ટ્રક્શન નામે પોતાની ઓફિસ પણ ખોલી હતી. વક્ફના નામે ખોટી રીતે જગ્યા પચાવી છેતરપિંડી કરી મનપા અને વક્ફ બોર્ડને નુકસાન કરનારા સલીમ સામે અગાઉ અનેક ગુના નોંધાયેલ છે. પોલીસે આરોપીઓને સાથે રાખી કાચની મસ્જિદમાં આવેલી ઓફિસમાં પણ તપાસ કરી હતી. સલીમે અન્ય કેટલી સરકારી જમીનો અને ગેરકાયદે બાંધકામ ઉભા કર્યા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.