July 2, 2024

પત્રકારના હત્યા કેસ મામલે 4 આરોપીની ધરપકડ, એક આરોપી ફરાર

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં પત્રકારની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. 2 લાખની સોપારી આપીને હત્યા કર્યા હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે, મરનારની પત્ની અને મુખ્ય આરોપીના ભાઈ વચ્ચે અનૈતિક સંબંધ હતો અને જેની અદાવત ચાલતી હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મહિપાલસિંહ, આકાશ ઉર્ફે અક્કુ, અનિકેત ઓડ અને વિકાસ ઉર્ફે વિકુ ઓડની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓને વોન્ટેડ ફરાર આરોપી શક્તિસિંહ દ્વારા સોપારી આપવામાં આવી હતી અને આરોપી શક્તિસિંહને મુખ્ય આરોપી મહિપાલ સિંહે 2 લાખ આપીને મનીષ શાહને સબક શીખવાડવા અને હાથપગ તોડવા માટે સોપારી આપી હતી. ગત 1 જૂનના રોજ રિવરફ્રન્ટ ઉપર મનીષભાઈ જઈ રહ્યા હતા, ત્યારે આરોપી વિકાસ દ્વારા હુમલો કરી ફરાર થઈ ગયો હતો. જો કે, સારવાર દરમિયાન મનિષ શાહનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં જામનગરમાં હત્યા, છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી મહિપાલસિંહના ભાઈ યુવરાજસિંહ અને મરનાર મનીષ શાહની પત્ની વચ્ચે અનૈતિક સંબંધ હતો. તેની ફરિયાદ પણ યુવરાજસિંહ સામે 2021માં વટવામાં થઈ હતી. ત્યારબાદ આરોપી યુવરાજસિંહ જામીન ઉપર બહાર આવ્યા બાદ વટવામાં ન આવવા કોર્ટે આદેશ આપ્યો હતો. તેમ છતાં મનીષ શાહ દ્વારા મહિપાલ સામે પણ ફરિયાદ કરતો હતો તેને લઈ સબક શીખવાડવા આરોપી મહિપાલસિંહ દ્વારા સાણંદ રહેતા આરોપી શક્તિસિંહને બોલાવીને 2 લાખમાં સોપારી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? અંબાલાલ પટેલની આગાહી

ત્યારબાદ મહિપાલ અને શક્તિસિંહ ભેગા મળીને આકાશ ઉર્ફે અક્કુ વાઘેલા, અનિકેત ઓડ અને વિકાસ ઓડ સાથે મુલાકાત કરી શક્તિસિંહે 1.20 લાખમાં આગળ સોપારી આપી હતી. જેમાં બધાના ભાગે અલગ અલગ રકમ આવી હતી અને તે જ દિવસે રકમ આપવી દેવામાં આવી હતી. જેમાં આકાશને 50 હજાર, અનિકેત 70 હજાર, વિકાસને 50 હજાર અને શકિતસિંહને 30 હજાર મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી અનિકેત અને વિકાસ હત્યા, હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યા છે. ત્યારે આ કેસનો મુખ્ય આરોપી વોન્ટેડ શક્તિસિંહને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.