July 2, 2024

ડોક્ટર પાસે 50 લાખની ખંડણી માગનારા બે આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત આરોપી મુશીર કુરેશીની દાદાગીરી સામે આવી છે. એક ડોક્ટર પાસેથી 50 લાખની ખંડણી માગીને માનસિક ત્રાસ આપતો હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત ડોક્ટરનો બંગલો પણ પચાવી પાડવાની ધમકી આપી છે. આ મામલે ડૉક્ટરે પોલીસ કમિશનરને રજૂઆત કરતા આખરે વેજલપુર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી કુખ્યાત મુશિર અને તેના સાગરીતને ઝડપી લીધો હતો.

પોલીસે આ મામલે આરોપી મુશિર કુરેસી અને તેનો સાગરિત ફિરોજકાકાની પોલીસે ધરપકડ કરી છે. આ કુખ્યાત આરોપીએ એક ડોકટર પાસેથી 50 લાખની ખંડણી માગીને હત્યાની ધમકી આપી હતી. મળતી માહિતી પ્રમાણે, જુહાપુરામાં રહેતા ડોકટર અશરફ દિવાનનો ઝાકીર પાર્કમાં બંગલો આવેલો છે. આ બગલાંને પચાવવા કુખ્યાત આરોપી મુશિરએ પોતાના સાગરીતો સાથે મળીને ડોકટર અશરફ અને તેના પરિવારને ધમકી આપી હતી અને 50 લાખમાં બંગલો વેચવા માટે દબાણ કર્યું હતું. પરંતુ 3 કરોડની કિંમતના બંગલાને 50 લાખમાં વેચવાની ડોકટરે ના પાડતા મુશિર અને તેના સાગરીતોએ ડોક્ટર અને તેના પરિવારનું જીવવાનું હરામ કરી દીધું હતું. એટલું જ નહીં, મુશિરના માણસો ડોક્ટરના ક્લિનિક અને ઘરે આવીને 50 લાખની ખંડણી માગીને હેરાન કરતા હતા. તેના CCTV ફૂટેજ અને વીડિઓ પણ સામે આવ્યા છે. દોઢ માસ પહેલાં પણ મુશિરના બે સાગરિત ફિરોઝ કાકા અને ફિરદોસ મુલ્લા ડોકટરના ક્લિનિકે આવીને મુશિરના ઈલાજના બહાને ઘરે લઈ ગયા હતા અને રિવોલ્વરની અણીએ માર મારીને બંગલો અથવા 50 લાખની ખંડણી માંગીને ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ ધોરણ 9-11માં નાપાસ વિદ્યાર્થીઓનાં રિટેસ્ટ 15 દિવસમાં લેવાનો નિર્ણય

પકડાયેલા કુખ્યાત આરોપી મુશિર કુરેશીનો ગુનાહિત ઇતિહાસ છે. એક ટપોરીમાંથી કુખ્યાત ગુનેગાર બાદ ખંડણીખોર બનીને લોકોની જમીન પચાવતો હોવાનું ખુલ્યું છે. આ આરોપી વિરુદ્ધ 9 જેટલા ગુના નોંધાયા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન કે મકાન પચાવી પાડવાના ગુના નોંધાયા છે. આરોપી મુશિરે વિસ્તારમાં ખોફ ઉભો કરવા પોતાની ગેંગ બનાવી હતી અને આ મુશિરની ગેંગ ગરીબ પરિવારને પરેશાન કરતી હતી. તેમજ પોલીસ ફરિયાદ કરશે તો લોકોને મારી નાંખવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં, વેજલપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તેનું કઈ બગાડશે નહીં તેવું કહીને લોકોને ધમકી આપતો હતો. આ કેસમાં પણ વેજલપુર પોલીસે ડોક્ટરની ફરિયાદ નહીં નોંધતા ડોક્ટરે પોલીસ કમિશનર જીએસ મલિકને રજૂઆત કરતા આ ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં-ક્યાં વરસાદ ખાબકશે

છેલ્લા 10 વર્ષથી મુશિર અને તેની ગેંગ ડોક્ટર પરિવારને ધમકી આપીને પરેશાન કરતા હતા. ‘મુશીરભાઈ કો પચાસ લાખ કી ખંડણી દેતા નહી, તેર કો મોત કા ડર નહી હૈ, યે તેરે કો લાસ્ટ વોર્નિંગ હૈ’ તેમ કહીને ધમકી તો આપતા હતા. પરંતુ પીછો કરીને ડરાવતા હતા. જેથી વેજલપુર પોલીસે મુશિર કુરેશી, ફિરોજ કાકા, ફિરદોસ મુલ્લા, રાજુ અને અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ મુશિર અને ફિરોઝકાકાની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.