January 22, 2025

કાગડાપીઠમાં બુલેગટરની જાહેરમાં હત્યા, વધુ 5 આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ કાગડાપીઠ વિસ્તારમાં બુટલેગર દ્વારા જાહેરમાં યુવકની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા 2 માસથી આરોપીઓ ફરાર હતા. મૃતક યુવકને સબક શીખવાડવા બુટલેગર સાથે મળીને યુવકની હત્યા કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ મામલે સિદ્ધાંત ઉર્ફે સિધુ ચાવડા, યશ ઉર્ફે કાળું પરમાર, કરણ ઉર્ફે કાંચો દરબાર, રાહુલ ઉર્ફે ગોલ્ડન ઓડ અને જયરાજ ઉર્ફે બુઘો ડાભીની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 2 માસ પહેલા કાગડાપીઠ વિસ્તારમાં અલ્પેશ ઠાકોરની હત્યા કરવામાં આવી હતી. મૃતક અલ્પેશ ઠાકોરે બુટલેગર જીગ્નેશ શર્મા, વિશાલ ચુનારા, વિરાજ ચુનારા અને સગીર વિરૂદ્ધ મારામારીની ફરિયાદ કરી હતી. જેની અદાવત રાખીને જીગ્નેશ શર્માએ ગુનેગાર મિત્રોને અલ્પેશને સબક શીખવાડવા બોલાવ્યા હતા.

આ આરોપીઓ હથિયારો લઈને આવીને અલ્પેશ ઠાકોર અને તેના ભાઈ મહેશ ઠાકોર પર હુમલો કર્યો હતો. જેમાં અલ્પેશનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ કેસમાં અગાઉ બુટલેગર જીગ્નેશ શર્મા, વિશાલ ચુનારા અને યુવરાજ ચુનારાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે વોન્ટેડ 5 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ અને એક આરોપીની વાડજ પોલીસે ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સિદ્ધાંત ઉર્ફે સિધુ વિરુદ્ધ માધવપુરા અને સાબરમતીમાં મારામારી રાયોટિગ અને પ્રોહિબિશન ના 5 ગુના નોંધાયા છે. રાહુલ ગોલ્ડન વિરુદ્ધ વાડજ અને ચાંદખેડા માં મારામારી રાયોટિગ અને પ્રોહીબિશન 6 ગુના નોંધાયા છે. જ્યારે યશ પરમાર વિરુદ્ધ વાડજ અને પાલનપુરમાં 2 ગુના અને કરણ વિરુદ્ધ વાડજમાં એક ગુનો નોંધાયો છે. આ તમામ કુખ્યાત ગુનેગારો છે. મિત્ર બુટલેગર જીગ્નેશ શર્માના ઝઘડામાં આરોપીઓ મૃતક પર હુમલો કરવા પહોંચ્યા હતા અને હત્યા કરીને જુદા જુદા વિસ્તારમાં નાસતા ફરતા હતા. ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળતા પાંચેય આરોપીને પકડીને કાગડાપીઠ પોલીસને સોંપ્યા છે.

મહત્વનું છે કે, કાગડાપીઠ વિસ્તારમાં રહેતા બુટલેગર અને તેના સાગરીતોએ હત્યા કરતા ઠાકોર સમાજના લોકોએ રોષે ભરાયા હતા. ત્યારે આ ઘટનામાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI એસએ પટેલને ફરજમાં બેદરકારી બદલ પોલીસ કમિશનરે સસ્પેન્ડ પણ કર્યા હતા. હાલમાં આ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.