કાંકરિયામાં ઉમેરાયું નવું નજરાણું, 28 એક્ટિવિટીનો ઉમેરો

દિપેન પઢીયાર, અમદાવાદઃ ગુજરાતમાં હવે સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવરની મજા અમદાવાદમાં માણી શકશે. અમદાવાદની શાન સમાન કાંકરિયાની બાલવાટિકામાં નવા રંગરૂપ સાથે ઇલ્યુઝન હાઉસ, ફ્લાઇંગ થિયેટર જેવી 28 એક્ટિવિટીનો ઉમેરો કરાયો છે.
અમદાવાદીઓ અને બહારથી આવતા મુલાકાતી માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો એ કાંકરિયા તળાવ છે. તેમાં પણ કાંકરિયામાં આવેલી બાલવાટિકા વર્ષોથી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ત્યારે હવે મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે બાલવાટિકાનું રીડેવલોપમેન્ટ કર્યું છે. 22 કરોડના ખર્ચે બાલવાટિકામાં 28 જેટલા આકર્ષણનો ઉમેરો કરાયો છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવર ઉભા કરાયા છે. આ ઉપરાંત ગુજરાત અને ભારતમાં ન હોય એવી રાઈડનો ઉમેરો કરવામાં આવ્યો છે. કાંકરિયાની બાલવાટિકામાં હવે વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઈંગ થિયેટર જેવી અલગ અલગ 28 એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે.
બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતા અલગ જ લુકમાં જોવા મળી રહી છે. જેમાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ તથા એન્ટ્રી ટિકિટની સાથે કેટલીક એક્ટિવિટી ફ્રી મળશે. જેમાં કોઈન હાઉસ કી, કાચ ઘર, શૂ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લોવ સ્ટેશનમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. બીજી અલગ અલગ એક્ટિવિટી અને રાઇડ્સ માટે નક્કી કરવામાં આવેલા દર મુજબ લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ હવે પછી નક્કી કરાશે.
બીજી તરફ બાલવાટિકામાં ડાયનાસોર પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં અલગ પ્રકારના ડાયનાસોર મુવમેન્ટ કરતા નજરે પડશે. અલગ અલગ અવાજ સાથે ડાયનાસોર પાર્ક રિયલ ડાયનાસોરની દુનિયાનો અનુભવ કરાવશે. બટરફ્લાય પાર્ક બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તો સ્નો પાર્ક, વર્ચ્યુઅલ ગેમઝોમ, વર્ચ્યુઅલ થિએટર, મિરર મેઝ અને ભૂલભુલૈયા સહિતની એક્ટિવિટી બાળકોને બાલવાટિકામાં મળશે.
બાલવાટિકાના નવીનીકરણનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે. સ્નો પાર્ક અને ગ્લાસ ટાવરની અમુક કામગીરી બાકી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થયા બાદ 15 એપ્રિલ બાદ બાલવાટિકા લોકો માટે ખુલ્લું મુકાશે.