January 10, 2025

કોર્ટમાં પોલીસના જાપ્તમાંથી ફરાર થયેલા આરોપીની ધરપકડ, કારંજ પોલીસની કાર્યવાહી

મિહિર સોની, અમદાવાદઃ કોર્ટમાંથી પોલીસના જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીની કારંજ પોલીસ અને LCBની ટીમે ઝડપી પાડ્યો છે. 8 જાન્યુઆરીએ આરોપીને અમદાવાદ સિટી સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તે પોલીસની નજર ચૂકવીને ભાગી છૂટ્યો હતો. જેને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.

આરોપી ઘનશ્યામ ઉર્ફે ગોપાલ અશોક જાદવ સામે અનેક ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તેમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયેલા એક ફરિયાદના ગુનામાં રાજકોટ જેલમાં સજા કાપી રહ્યો છે. જેને આઠ જાન્યુઆરીએ અમદાવાદની સિટી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, પરિવારને મળવાના બહાને તે કેદી જપ્તામાંથી ફરાર થયો હતો. આ બાબતે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદના આધારે પોલીસે આરોપીને નરોડા વિસ્તારમાંથી તેની બહેનના ઘર પાસેથી જ ઝડપી પાડ્યો છે. આરોપી સામે અમદાવાદની સાથે સાથે સુરેન્દ્રનગરમાં બે, વડોદરામાં એક અને ડાકોરમાં એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. એટલે કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ સંદર્ભે રાજકોટની જિલ્લા જેલમાં સજા ભોગવી રહ્યો છે.

મહત્વનું છે કે, નરોડામાં નોંધાયેલા પોક્સોની ફરિયાદ સંદર્ભે અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તે ભાગી છુટ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, અગાઉ પણ નવસારી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ બાબતે જુનાગઢ જિલ્લા જેલમાંથી નવસારી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ તે કેદી જાપ્તામાંથી વડોદરામાંથી ફરાર થઈ ગયો હતો, જેને લઇ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.