કૃષ્ણનગરમાં જ્વેલર્સ માલિક પર છરીથી હુમલો, વાહન પાર્ક કરવા બાબતે મારામારી

મિહિર સોની, અમદાવાદઃ કૃષ્ણનગર વિસ્તારમાં આવતા સરદાર ચોક ખાતે વાહન પાર્ક જેવી સામાન્ય બાબતમાં મારામારીની ઘટના બની હતી. સરદાર ચોક પાસે આવેલા ઉમિયા ગોલ્ડ પેલેસ બહાર વાહન પાર્ક કરવા બાબતે જ્વેલર્સના માલિકની વાહન ચાલક સાથે બોલાચાલી થઈ હતી. જેના કારણે વાહનચાલકે છરીથી વેપારી પર હુમલો કર્યો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનાની જાણ થતા કૃષ્ણનગર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ઉમિયા ગોલ્ડ પેલેસનાં વેપારી જયંતિભાઈ પટેલ પર વિવેક ઠક્કર દ્વારા હુમલો કરાયો હતો. આ મામલે વેપારીને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.