December 22, 2024

કિશોર બાળકોને પગાર પર રાખીને દારૂની હેરાફેરીના રેકેટનો ઘટસ્ફોટ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં બુટલેગર દ્વારા કિશોર બાળકોને પગાર આપીને દારૂની હોમ ડિલિવરી કરવાનું રેકેટ ઝડપાયું છે. બોડકદેવ પોલીસ દ્વારા વિદેશી દારૂ સાથે પકડેલા કિશોરની તપાસમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. કુખ્યાત બુટલેગરનું નામ ખુલતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં એક કુખ્યાત બુટલેગર એ દારૂની હોમ ડિલિવરી કરવા માટે બાળકોનો દુરુપયોગ કરી એક નવી સિસ્ટમ ઉભી કરી. જેમાં બાળકને પગાર પર રાખીને કિશોર બાળક પાસે દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હતી. બોડકદેવ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે, નર્મદા આવાસ પાસે એક કિશોર ટુ વ્હીલર લઈને પસાર થઈ રહ્યો હતો. આ કિશોર પર શંકા જતા પોલીસે રોકીને તેની અટકાયત કરી તપાસ કરતા એક્ટિવામાં વિદેશી દારૂની 6 બોટલ મળી આવી હતી અને કિશોરની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો હતો કે બુટલેગર અંકિત પીતાંબર પરમાર દ્વારા દારૂની ડિલિવરી માટે કિશોરને 8 હજાર રૂપિયામાં પગાર પર રાખ્યો હતો. એટલું જ નહિ દારૂની એક બોટલની ડિલિવરી કરે તો 100 થી 200 રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું. હાલ બોડકદેવ પોલીસ એ કાયદા નાં સંધર્ષ માં આવેલ કિશોર સામે કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

કાયદાનાં સંધર્ષમાં આવેલ કિશોરની પૂછપરછ કરતા સામે આવ્યું કે બુટલેગર અકિંત દારૂની ડિલિવરી કરવા માટે કિશોરને સમજાવતો હતો અને કહેતો હતો કે તમારી ઉંમર નાની છે જેથી પોલીસ ક્યાં પણ રોકશે નહિ અને તમારી પર પોલીસ કેસ કરશે નહિ. દારૂની ડિલિવરી કરવાના તમને સારા પૈસા મળશે. આ કિશોર પાસેથી છેલ્લા બે મહિનાથી દારૂની હોમ ડિલિવરી કરવામાં આવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાથે જ, પકડાયેલ કિશોર સહિત અન્ય કેટલાય કિશોરને બુટલેગર અંકિત દ્વારા નોકરી પર રાખીને દારૂની હેરાફેરી કરાવીને ગુનો કરાવતો હતો. જોકે દારૂની હોમ ડિલિવરી કરવા માટે બુટલેગર અંકિત એક્ટીવા અને મોબાઈલ ફોન કિશોરને આપતો હતો. જે મોબાઈલ ફોન પર અલગ અલગ જે જગ્યા કહે ત્યાં દારૂની બોટલ કિશોર આપીને આવતો હતો.

કુખ્યાત બુટલેગર અંકિત વિરુદ્ધ અમદાવાદ અને સાબરકાંઠામાં કુલ 20 પ્રોહિબિશન ગુના નોંધાયા છે. જોકે શહેર પોલીસ દ્વારા બુટલેગર અંકિત વિરુદ્ધ ગુજસીટોક ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરાઇ રહી છે. નોંધનીય છે કે બુટલેગર દ્વારા પોલીસથી બચવા અવનવા કીમિયા અજમાવતા હોય છે જોકે દારૂની હોમ ડિલિવરી માટે પહેલા મહિલાનો ઉપયોગ કરતા હતા અને હવે બાળકો નો ઉપયોગ કરી રહ્યા છે.