મકરબામાં વ્યાજખોરોનો આતંક, રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂપિયાની માગણી કરી માર માર્યો

અમદાવાદઃ મકરબામાં આવેલી ગિન્ની ગાર્ડન લેક સોસાયટીમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. ફ્લેટમાં ગુંડાઓ સાથે ઘુસીને વ્યાજખોરે જીવલેણ હુમલો કરતા ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી પ્રમાણે, આંબલીના પુષ્પક પ્લેટિનિયમમાં રહેતા મનીષભાઈ રાઠોડ જમીન દલાલ તરીકે કામ કરે છે. ગત મે 2023માં મનીષ રાઠોડે ભાર્ગવ દેસાઈ પાસેથી 60 લાખ રૂપિયા 30 ટકાના વ્યાજે લીધા હતા. આ ઉપરાંત તેમના મિત્રોની કાર ગીરવે મૂકીને પણ નાણાં લીધા હતા. જેના પેટે મનીષભાઇ ભાર્ગવ રબારીને 30 ટકા વ્યાજ ચૂકવતા હતા. તેમણે વ્યાજ સાથે તમામ રકમ ચૂકતે કરી દીધી હતી. તે છતાં ભાર્ગવ રબારી મનીષભાઈના ઘરે આવીને નાણાંની માંગણી કરીને સતત ધમકી આપતો હતો.

ભાર્ગવ દેસાઈ દ્વારા ધમકી આપતા મનીષ રાઠોડ ઘર છોડીને અન્ય સ્થળે રહેવા માટે જતા રહ્યા હતા. ત્યારે પણ ભાર્ગવ રબારી તેમના ઘરે આવીને ધમકી આપતો હતો. જેથી પરિવારજનો પણ સતત દબાણમાં રહેતા હતા. મનીષભાઈ તેમના મિત્રના મકરબામાં આવેલા ગિન્ની ગાર્ડન લેક નામના એપાર્ટમેન્ટમાં ગયા હતા. ત્યાં તેમના પત્ની, બાળકો મળવા માટે આવ્યા હતા. ત્યારે અચાનક ભાર્ગવ રબારીનો ભાઈ ભાવેશ રબારી તેના સાગરિતો સાથે ઘરમાં ઘુસી ગયો હતો.

તેણે મનીષભાઇને પકડીને માર મારવાનો શરૂ કર્યો હતો. આ સમયે આનંદ રબારી નામના વ્યક્તિએ છરી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.