મણિનગરની નેલ્સન સ્કૂલને DEOની નોટિસ, 1000નું ઉઘરાણું પાછું આપવા આદેશ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ હંમેશા વિવાદમાં રહેલી નેલ્સન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી કોઈપણ નોટીસ કે જાણ કર્યા વગર જ એક હજાર રૂપિયા લેવામાં આવતા હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવતા ડીઇઓએ સ્કૂલમાં ટીમ મોકલીને તપાસ કરવામાં આવતા સ્કૂલની ચોરી પકડાઈ હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓને રૂપિયા પરત કરવા માટે આદેશ કર્યો છે.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલ છેલ્લા કેટલાય દિવસથી વિવાદમાં છે. ત્યારે આજે વઘુ એક વિવાદ સામે આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા શનિવારે તમામ વાલીઓને ફોન અને મેસેજ કરીને પરીણામ લઈ જવા અને જોડે 1000 રૂપિયા લાવવાની સૂચના આપવામાં આવી હતી. 1000 રૂપિયા શેના માટે મંગાવવામાં આવ્યા હતા તે બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો ન હતો. પરંતુ સ્કૂલમાં ઉજવણી કરવામાં આવતા એન્યુઅલ ડેના ખર્ચ રોકડમાં વસૂલ કરવામાં આવતો હોવાની ફરીયાદ સામે આવી છે, જેમાં નિયમની વિરુદ્ધમાં જઇને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કુલ 143 જેટલા વિદ્યાર્થી પાસેથી 1000 રૂપિયા વસૂલ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ સમગ્ર બાબતે શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપીને શાળામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી હતી. જેમાં શિક્ષણઅધિકારીની ટીમ શાળામાં પહોચતા સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા નાટકો શરૂ કરવામાં આવ્યા હતા. જ્યારે મેનેજમેન્ટ દ્વારા જે વાલીઓેને બોલાવવામાં આવ્યા હતા તે તમામ વાલીઓને કાલે ફરીથી આવવાની વાત કરી હતી. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરીને સ્કૂલને ફરીથી નોટિસ પાઠવી છે, જેમાં તાત્કાલિક ઘોરણે પૈસા પરત આપવાની સુચના આપવામાં આવી છે.

આમ પૈસાના ઉઘરાણા કરતી નેલ્સન સ્કૂલને ફરીથી આવુ કૃત્ય ન કરવા માટેની ટકોર નોટિસમાં કરવામાં આવી છે. જ્યારે વાલીઓને પૈસા પરતા કર્યા હોવાનું પ્રૂફ પણ આપવાની નોટિસ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.