February 21, 2025

નારોલમાં મિત્ર બન્યો દુશ્મન, મોઢા પર તલવારથી અસંખ્ય ઘા મારી હત્યા કરી; આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત મિત્ર એ જ મિત્રની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નજીવી બાબતમાં બંને મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ હત્યા કરવામાં આવી હતી. નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

પોલીસે આ મામલે આરોપી રવિ ઉર્ફે બાપુ અમરતભાઈ બોરાણાની ધરપકડ કરી છે. આ ઘટનાની વાત કરીએ તો અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા રંગોલીનગરના ખુલ્લા મેદાનમાં ગઈકાલે રાત્રે એક યુવકની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. મૃતક યુવકને તીક્ષ્ણ હથિયાર વડે મોઢા પર અસંખ્ય ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. જો કે, પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃતદેહ કોનો છે તે ઓળખી શકી ન હતી, ત્યારબાદ અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરતા સામે આવ્યું કે ગ્રાઉન્ડમાંથી જેનો મૃતદેહ મળી આવ્યો છે તેનું નામ ધ્રુવેન્દ્રસિંહ રાજાવત છે અને નારોલ વિસ્તારમાં રહે છે. ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું કે, મૃતક ધ્રુવેન્દ્રસિંહ રાજાવતની હત્યા તેના જ અંગત મિત્ર રવિ ઉર્ફે બાપુ બોરાણાએ કરી હતી. મૃતકના પિતાની ફરિયાદને આધારે નારોલ પોલીસે આરોપી રવિ ઉર્ફે બાપુની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ધ્રુવેન્દ્રસિંહ અને આરોપી રવિ ઉર્ફે બાપુ બંને અઢી વર્ષથી પરિચયમાં આવ્યા હતા અને બંને મિત્રો હતા. એક અઠવાડિયા પહેલા નજીવી બાબતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે મૃતક ધ્રુવેન્દ્રસિંહે આરોપી રવિ ઉર્ફે બાપુને માર માર્યો હતો. ત્યારબાદ બંને મિત્રોના બદલે દુશ્મન બની ગયા હતા અને બંનેને એકબીજાથી હત્યાનો ડર સતાવતો હતો. એટલું જ નહીં, અગાઉના ઝઘડામાં આરોપી રવિ ઉર્ફે બાપુને મૃતકે માર માર્યો હતો. તેની અદાવત રાખીને આરોપીએ હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. આરોપી રવિ ઉર્ફે બાપુ તેમજ મૃતક ધ્રુવેન્દ્રસિંહ અને અન્ય મિત્રો રોજ રાત્રે ખુલ્લા મેદાનમાં બેસતા હતા. તેથી આરોપી રવિ ઉર્ફે બાપુએ બદલો લેવા માટે પહેલેથી જ ગ્રાઉન્ડમાં તલવાર સંતાડી દીધી હતી અને તક મળતા રાત્રે ધ્રુવેન્દ્રસિંહને તલવારના અસંખ્ય ઘા મારી હત્યા કરી દીધી હતી.

હાલમાં નારોલ પોલીસે આરોપી રવિ ઉર્ફે બાપુની ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ કાગડાપીઠ પોલીસ મથકમાં મારામારીનો એક ગુનો નોંધાઈ ચૂક્યો છે. જો કે, પોલીસ હવે તપાસ કરી રહી છે કે ખરેખર બંને મિત્રો વચ્ચે થોડા દિવસ પહેલા થયેલી બોલાચાલી જ હત્યાનું મુખ્ય કારણ હતું કે પછી અન્ય કોઈ બાબતને લઈને હત્યા કરવામાં આવી છે. કારણ કે, જે રીતે એક મિત્રએ જ અન્ય મિત્રને તેના મોઢા પર તલવારના અસંખ્ય ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી છે, તેને લઈને પોલીસ પણ આ અંગેનું અન્ય કોઈ કારણ છે કે કેમ તેની તપાસ કરી રહી છે.