June 28, 2024

Ahmedabadના પરિવારને સ્માર્ટ મીટરમાં આવ્યું 6 લાખ બીલ, માસિક આવક 20 હજાર!

અમદાવાદઃ સ્માર્ટ મીટર મામલે હાલ ગુજરાતમાં માહોલ ગરમાયો છે. ત્યારે થોડા દિવસ પહેલાં વડોદરાના એક રહેવાસીને સ્માર્ટ મીટરમાં 9 લાખ રૂપિયા વીજ બીલ આવ્યું હતું. ત્યારે હવે અમદાવાદમાં પણ આવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અધધધ રૂપિયા વીજ બીલ આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરના નવા નરોડાની ગાયત્રી ગ્રીન સોસાયટીના રહીશને અધધધ રૂપિયા વીજ બીલ આવ્યું છે. સોસાયટીમાં રહેતા રેખાબેનને અધધધ રૂપિયા બીલ આવ્યું છે. ચાલુ મહિનાનું બીલ રૂપિયા 6.67 લાખ આવતા પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો હતો. અમદાવાદમાં રહેતા આ પરિવારને મહિનાનું બિલ 667873.12 રૂપિયા આવ્યું હતું.

આ પણ વાંચોઃ શિવધારા રિસોર્ટમાં અસામાજિક તત્વોનો આતંક, નશાની હાલતમાં મહિલાની છેડતી

તેઓ જણાવે છે કે, દર મહિને જૂના મીટરમાં તેમને 4થી 5 હજાર રૂપિયા વીજ બીલ આવે છે. સાદા મીટરનું બિલ 15 મેના દિવસે ભર્યું હતું. છતાં સ્માર્ટ મીટરનું વીજ બીલ 6.67 લાખ રૂપિયા આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર મહિને માત્ર 20 હજાર રૂપિયા જ કમાય છે.

વડોદરામાં પણ બની હતી આવી ઘટના
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડે મકાન રાખીને રહેતા મૃત્યુંજયને લાખો રૂપિયાનું વીજ બીલ આવ્યું છે. મૃત્યુંજયને રૂપિયા 9,24,254 રૂપિયા વીજ બીલ આવ્યું છે. પહેલાં તેમને પ્રતિ મહિને અંદાજે 1500-2000 રૂપિયા બીલ આવતું હતું. ત્યારે 15 દિવસ પહેલાં જ તેમના ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યું છે. ત્યારે વીજ બીલને લઈને મૃત્યુંજયે MGVCLનો સંપર્ક કર્યો છે.

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
ગુજરાત રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરને લઈને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્માર્ટ મીટર સાથે વધુ એક જૂનું મીટર પણ લગાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે, સ્માર્ટ મીટરમાં આવતું વીજ બિલ અને જૂના મીટરમાં આવતું વીજ બંનેની કમ્પેર કરવામાં આવશે અને અરજદારોને સ્માર્ટ મીટર અંતર્ગત જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવશે.