November 23, 2024

ન્યૂઝ કેપિટલ ઇમ્પેક્ટઃ જર્જરિત શાળાના અહેવાલ બાદ DEOએ નોટિસ ફટકારી

ahmedabad News Capital impect DEO issued notice following report dilapidated school

નેલ્શન સ્કૂલની ફાઇલ તસવીર

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી જર્જરિત નેલ્સન સ્કૂલનો અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે. નેલ્સન સ્કૂલ જર્જરિત હોવાને લઈને DEO એક્શન મોડમાં આવી ગયા છે. DEOએ આ મામલે સ્કૂલને નોટિસ ફટકારી છે.

આ અંગે ડીઇઓએ જણાવ્યુ હતુ કે,‘એક સપ્તાહમાં ફરીવાર તમામ રિપોર્ટ કરવામાં આવશે. સ્કૂલ પાસે એક જ સીડી હોવાથી તેને બનાવવા માટે આદેશ કર્યો છે. અરજદારના ફોટોગ્રાફ્સ અને નિરીક્ષકના અહેવાલ બાદ બોર્ડને શાળા સામે પગલાં લેવા જણાવાયું હતું પરંતુ હજુ સુધી પગલાં લેવાયા નથી. બોર્ડની પરીક્ષા ચાલુ હોવાથી એક સપ્તાહમાં તમામ રિપોર્ટ કરાવીને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈશું. નિયમ મુજબ 4 ફૂટની સીડી હોવી જરૂરી પરંતુ શાળામાં ફક્ત બે જ ફૂટની સીડી હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝ કેપિટલની ટીમને અંદર પ્રવેશ ન આપવા બદલ પણ કાર્યવાહી કરવામાં આવશે.’

જીવના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
અમદાવાદની એક એવી શાળા છે કે, જર્જરીત હોવા છતાં પણ ન સંચાલકોને કોઈ ફિકર છે, ન તો તંત્રને. આ મામલે ગાંધીનગર સુધી ફરિયાદ થઈ હોવા છતાં પણ પગલાં નથી લેવાઈ રહ્યા. મણીનગર વિસ્તારમાં આવેલી આ શાળા નેલ્સન હાયર સેકન્ડરી સ્કૂલ છે. બહારથી આ શાળા ભલે વ્યવસ્થિત લાગતી હોય પરંતુ આ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે જર્જરીત થઈ ચૂક્યું છે અને આ મામલાની જાણ ખુદ તંત્રને હોવા છતાં પણ કોઇપણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા. મણીનગરના રહીશે છેક શિક્ષણ વિભાગમાં આ અંગે અનેક ફરિયાદ કરી છે કે, વિદ્યાર્થીઓને જોખમરૂપ લાગતી આ શાળાને બંધ કરી દેવામાં આવે અને અન્યત્ર ખસેડવામા આવે. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઇપણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા. ત્યારે વિદ્યાર્થીઓ અહીં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના ગામલોકોની ચીમકી, રેતી ચોરી નહીં અટકે તો ચૂંટણીનો બહિષ્કાર

અનેકવાર આ મામલે કરી છે રજૂઆત
નેલ્સન સ્કૂલને 1965માં ગર્લ્સ સ્કૂલ તરીકે માન્યતા આપવામાં આવી હતી અને હાલમાં 800 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. વાલીઓ અને આસપાસના રહીશોએ બિલ્ડિંગ જર્જરીત હોવાની અનેકવાર સ્કૂલ સંચાલકોને ફરિયાદ કરી હતી. પરંતુ સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓની ફી વસૂલીમાંથી જ ઉંચા નથી આવતા. ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે સ્કૂલની મુલાકાતે પહોંચી, ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી હતી. સ્કૂલનું બિલ્ડિંગ આગળના ભાગથી નમી ગયું હોવાનું અને સ્ટ્રકચર નબળું પડી ગયું હોવાનું કેમેરામાં કેદ થયું છે. મણીનગરમાં રહેતા એક જાગૃત નાગરિકે કોર્ટની પરમિશન લઇને 2013માં સ્ટ્રકચરલ એન્જિનિયર પાસે તેનો સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં પણ આ બિલ્ડિંગ નબળું પડી ગયું હોવાનું અને વિદ્યાર્થીઓ માટે જોખમી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. રિપોર્ટમાં જણાવાવમાં આવ્યું છે કે, આ બિલ્ડિંગને તાત્કાલિક ઉતારી લેવામાં આવે નહીં તો મોટી જાનહાનિ થઈ શકે છે, તેમ છતાં પણ 10 વર્ષ બાદ પણ તંત્રએ આ મામલે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી નથી.

સ્કૂલ સંચાલકે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકતા પાછળના ભાગે આવેલા છાપરાવાળા બાથરૂમ પર જ પિલ્લર બનાવીને મોટી ભૂલ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે કોઇપણ બિલ્ડિંગ બને ત્યારે પિલ્લર બનાવીને તેના પર બિલ્ડિંગ તૈયાર કરવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગના સપોર્ટ માટે સ્કૂલે છાપરાવાળા બાથરૂમ પર જ પિલ્લર ચણી દીધો છે.