October 16, 2024

નિકોલમાં અસામાજિક તત્વોનો આતંક; 4 આરોપીની ધરપકડ, 5 ફરાર

મિહિર સોની, અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આ મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. નવરાત્રીના છેલ્લા નોરતે બર્થડે સોંગ વગાડવા બાબતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.

પોલીસે આરોપી જગદીશ પ્રજાપતિ, મિત શાહ અને આદિત્યસિંહ રાઠોડ અને મહેશ લુહારની ધરપકડ કરી છે. આ આરોપીએ નિકોલની હર હર ગંગે નામની સોસાયટીમાં તોડફોડ કરીને આતંક ફેલાયો હતો. નવરાત્રીમાં નવમા નોરતે ગરબાના બદલે જન્મદિવસનું સોંગ વગડાવવા માટે અસામાજિક તત્વોએ સોસાયટીના સભ્યો પર દબાણ કર્યું હતું. ત્યારે સોસાયટીના મેમ્બરોએ જન્મદિવસનું ગીત વગાડવાની ના પાડી ત્યારે આરોપીઓએ લાકડીઓ અને ઘાતકી હથિયારો વડે હુમલો કરીને તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને નિકોલ પોલીસે હુમલો કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધીને 4 આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હુમલાના કેસમાં મુખ્ય આરોપી મહેશ ઉર્ફે ભૂરો લુહાર છે. જે તલવાર લઈને આવ્યો હતો અને આતંક મચાવ્યો હતો. હર હર ગંગે અને આજુબાજુની સોસાયટીમાં રહેતા આ આરોપીઓએ સમગ્ર વિસ્તારમાં ધાક જમાવવા આ કૃત્ય કર્યું હોવાનું ખુલ્યું છે. જેમાં જગદીશ પ્રજાપતિ નામના યુવકે ગરબાની જગ્યાએ બર્થડે સોંગની ડિમાન્ડ મૂકી હતી. પરંતુ સોસાયટીના રહીશોના વિરોધથી ઉશ્કેરાઈ જઈને 9 જેટલા આરોપીએ હથિયારોથી હુમલો કરીને દહેશત ફેલાવી હતી. પકડાયેલા ચારેય આરોપીઓ છૂટક મજુરી કરે છે.

નિકોલની સોસાયટીમાં ધાક જમાવવા ભયનો માહોલ ઉભો કરનારા 4 અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં અને આ હુમલા કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે. જ્યારે આ કેસમાં ફરાર 5 આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.