December 5, 2024

અમદાવાદમાં પોલીસકર્મીને એક કિમી સુધી બોનેટ પર ઢસડ્યો, દંપતીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેર પોલીસની કોમ્બિંગ નાઈટમાં ફરી એક વખત પોલીસ કર્મચારીનો જીવ જતા બચી ગયો છે. ફરજ દરમિયાન એક કારચાલક નબીરાએ ગાડી ન રોકીને પૂરઝડપે ગાડી ચલાવી પોલીસ કર્મચારીને ગાડી પર ઢસડ્યો હતો. આ ઘટનામાં પોલીસ કર્મચારીને ગંભીર ઇજા થઈ છે. તો આ મામલે ચાંદખેડા પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી છે.

આ મામલે પોલીસે અનુજ પટેલ અને તેની પત્નીએ પોલીસ કર્મચારીને જાનથી મારી નાંખવાની કોશિશ કરી છે. ચાંદખેડા પોલીસની ટીમ ગત રાત્રીના તપોવન સર્કલ પાસે કોમ્બિંગમાં વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે ફોર્ચ્યુંનર કાર લઇને આવેલા ચાલક અનુજ પટેલ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોલીસે ચેકિંગ માટે રોકવાનો કોશિશ કરી ત્યારે કારચાલક અનુજ પટેલ ગાડી ન રોકી અને ફરાર થવાની કોશિશ કરી હતી.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો અનુજ પટેલને જ્યારે પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ કર્મચારી નિતેશ માળી અને રાયમલભાઈ પર ગાડી ચડાવવાની કોશિશ કરી હતી. તે દરમિયાન આરોપી મહિલા પણ ગાડી ભગાડવાનો તેના પતિને ઈશારો કર્યો હતો. તે દરમિયાન પોલીસકર્મી રાયમલ ત્યાં પડી ગયા હતા અને પોલીસકર્મી નિતેશને એક કિલોમીટર સુધી ફોર્ચ્યુંનર ગાડીના બોનેટ પર ઢસડી લઈ ગયા હતા. ત્યારબાદ પોલીસકર્મી નિતેશ નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમે કારચાલકને પકડવા પીછો કર્યો હતો છતાં પણ ફોર્ચ્યુંનર ગાડીચાલક ફરાર થઈ ગયો હતો અને ગાડી નંબર આધારે તપાસ કરતા સાયન્સ સિટીમાં તેના ઘરેથી અનુજ પટેલ અને તેની પત્ની પાયલની ધરપકડ કરી છે.

પકડાયેલો આરોપી અનુજ પટેલ જમીન દલાલીનું કામ કરે છે અને તેની પૂછતાછમાં પોલીસ કોમ્બિંગ જોઈને ડરી ગયો હોવાથી ગાડી સ્પીડમાં ભગાડી હોવાનું કબૂલાત કરી રહ્યો છે. ત્યારે ચાંદખેડા પોલીસે ગાડી કબ્જે કરી દંપતીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.