March 29, 2025

અમદાવાદ પોલીસ કમિશનરની કડક કાર્યવાહી, અસામાજિક પ્રવૃતિ કરતા 12ને પાસા તો 5ને તડીપાર કર્યા

અમદાવાદઃ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃતિઓ કરતા 12 ઈસમોને પાસા તથા 5 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી હાથધરી એકસાથે કુલ 17 ઇસમો વિરુદ્ધ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા અસામાજિક પ્રવૃતિને અંકુશમાં રાખવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાંઓનો અસરકારક અમલ કરાવી શહેરભરમાંથી આજદિન સુધી કુલ 211 જેટલા શરીર સંબંધી, મિલકત સંબંધી, પ્રોહિબિશનની પ્રવૃતિ કરતા ઇસમો તથા અન્ય ગુનાહિત ઇસમોને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. તથા આજદિન સુધીમાં કુલ 14 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી પણ અમલમાં લાવવામાં આવી છે.

આ કામગીરીના ભાગરુપે આજરોજ શહેરના કૃષ્ણનગર, ઓઢવ, કાલુપુર, નરોડા, રામોલ, વેજલપુર, વટવા, કગડાપીઠ તથા ડી.સી.બી પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજિક પ્રવૃતિ કરતા કુલ 12 ઈસમો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરી પોલીસ કમિશનર જીએસ મલિકે એકસાથે રાજ્યની સુરત જેલમાં મોકલી આપ્યાં છે. તેમજ 5 ઇસમોને તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરવા હુકમ કર્યો છે.