November 21, 2024

Ahmedabad Rathyatra 2024: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિર ખાતે કરી બેઠક

મિહિર સોની, અમદાવાદ: આગામી 4 જુલાઇના રોજ જગવિખ્યાત અમદાવાદની 148મી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જગન્નાથ મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા હતા અને બાદમાં અમદાવાદ શહેર પોલીસ સાથે તૈયારીઓને લઈને બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. તો સાથે સાથે, જગન્નાથ મંદિરના મહંત, ટ્રસ્ટીઓ તેમજ ભાજપના અગ્રણીઓ સાથે નાની બેઠક કરી છે.

આ વખતે વધુમાં લોકો કરી શકશે રથયાત્રાના દર્શન: ગૃહ રાજ્યમંત્રી

અમદાવાદ શહેર પોલીસ સાથે બેઠક બાદ હર્ષ સંઘવીએ મીડીયા સાથે વાત કરતાં બેઠકને લઈને નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદની 148મી રથયાત્રાને લઈને તમામ આયોજનો કરી દેવામાં આવ્યા છે. આ વખતે લોકો જગન્નાથના વધુને વધુ દર્શન કરી શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ સોહાર્દના માહોલમાં યોજાય તે માટે આયોજન આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતે કરાશે મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ: હર્ષ સંઘવી

વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીની તમામ યાત્રાઓનો રેકોર્ડ આ વખતે તૂટવા જઈ રહ્યો છે. આ વખતે મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાશે. સમયસર રથયાત્રા નીકળે અને સમયસર પૂર્ણ થાય તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તો આ વખતે રથયાત્રા દરમિયાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કારવામાં આવશે.

રાજકોટ અગ્નિકાંડમાં SITના રિપોર્ટ અંગે નિવેદન

વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ અગ્નિકાંડમાં SIT દ્વારા કરવામાં આવી રહેલ તપાસને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે SIT સામાન્ય રીતે ACS હોમને રીપોર્ટ કરતી હોય છે. SITની કામગીરી લગભગ પૂર્ણ થવા પર છે. ગત રાત્રે બે વાગ્યા સુધી લાગતા વળગતાઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. આજે પણ જવાબો લેવાની કાર્યવાહી ચાલુ છે.આજે SIT દ્વારા ACS હોમને રીપોર્ટ સબમિટ કરવામાં આવશે. SIT દ્વારા આજે અથવા આવતીકાલે સત્તાવાર નિવેદન આપવામાં આવશે.

લોરેન્સ બિશ્નોઈને લઈને પણ આપ્યું નિવેદન

વધુમાં, હર્ષ સંઘવીએ લોરેન્સ બિશ્નોઈ દ્વારા જેલ માંથી કરવામાં આવેલ વિડીયો કોલ અંગે પણ નિવેદન આપવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચ વિગત આપશે.