અમદાવાદીએ ઝીપલાઈન કરતા સમયે જોઈ પહલગામ આતંકી હુમલાની લાઈવ ઘટના

અમદાવાદ: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો અમદાવાદનો પરિવાર સાક્ષી બન્યો હતો. પાલડીમાં રહેતા SGMD મંડપ ડેકોરેશનના વ્યવસાયી ઋષિ ભટ્ટ અને તેનો પરિવાર પહેલગામમાં હાજર હતો. ઋષિ ભટ્ટ ઝીપલાઈનમાં હતા ત્યારે જ આ હુમલો થયો હતો. ઝીપલાઈનનો આનંદ માણતા વીડિયોમાં આતંકી હુમલાની ઘટના કેદ થઈ છે. તેમજ આતંકીઓ માત્ર 10થી12 ફૂટ જ દૂર હતા. ઝીપલાઇન ચલાવતા વ્યક્તિએ ત્રણ વખત અલ્લાહ હું અકબર બોલ્યો અને ફાયરિંગ શરૂ થયું.

ઋષિ ભટ્ટે જણાવ્યું કે, ઝીપલાઈનમાં તેમની આગળ ગયેલા બે પરિવારના સભ્યો મોતને ભેટ્યા હતા. તેમની સામે જ 15થી 16 લોકોની આતંકીઓએ હત્યા કરી હતી. ગ્રાઉન્ડમાં બે આતંકીઓ ધર્મ પૂછીને લોકોને મારતા હતા. હું વચ્ચેથી જ ઝીપલાઇનમાંથી કૂદીને ભાગ્યો તેમજ મારી પત્ની અને દીકરો અમે ત્રણેય લોકો ત્યાં હાજર હતા. લેન્ડ સ્કેપમાં એક ખાડામાં થોડીવાર સંતાયા હતા અને ત્યાર બાદ ભાગીને જીવ બચાવ્યો હતો. આર્મી અને સેનાએ સારી કામગીરી કરી છે.