અમદાવાદમાં સાબરમતી નદીની થશે સફાઈ, શહેરીજનો જોડાશે આ સફાઈ અભિયાનમાં

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: મહાત્મા ગાંધીએ જે નદી કિનારેથી દાંડી સત્યાગ્રહની શરૂઆત કરી હતી. જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ દેશોમાં વડાઓ સાથે ડીનર ડિપ્લોમસી કરી હતી તે સાબરમતી નદીની સફાઈ કરવામાં આવનાર છે. આગામી 5 જૂન સુધી સાબરમતિ નદીની સફાઈ કરવામાં આવશે અને તેમાં શહેરની જનતાને પણ જોડવામાં આવશે.
લંડન શહેરમાં પસાર થતી થેમ્સ નદી પર તૈયાર કરવામાં આવેલ રિવરફ્રન્ટની તર્જ પર જ અમદાવાદની સાબરમતી નદી પર રિવરફ્રન્ટ તો તૈયાર કરવામાં આવ્યો, પરંતુ થેમ્સની જેમ સાબરમતી નદીને ચોખ્ખી રાખવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને વારંવાર કરોડો રૂપિયા ખર્ચીને તેની સફાઈ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની જીવાદોરી સમાન સાબરમતી નદી હાલ શુષ્ક જોવા મળી રહી છે. કારણ કે આ નદી પર તૈયાર કરવામાં આવેલ વાસણા બેરેજનું સમારકામ અને ઉપરવાસમાં માટીના રેમ્પનું તૈયાર કરવામાં આવનાર હોય નદીને સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવી રહી છે. આ કામગીરી આગામી પાંચમી જૂન સુધી ચાલનાર છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનએ જારી કરેલ પત્રમાં જણાવ્યું છે કે વાસણા બેરેજમાં બંધ સુરક્ષાને ઘ્યાનમાં રાખીને ચોમાસા પૂર્વે કરવાના થતાં મરામતના કામના ભાગરૂપે દરવાજાનું સમારકામ કરાશે અને આ કામગીરી 5 જૂન સુધી થશે અને તેમાં જન ભાગીદારી પણ લેવાશે જેથી કરીને અવેરનેસ લાવી શકાય.
જમીનની ફળદ્રુપતા માટે નદીની સફાઈ કરવી ખૂબ જરૂરી છે. નદીની સફાઈ માટે ટેકનિકલ શબ્દ ડિસિલ્ટીંગનો વપરાશ થાય છે એટલે કે નદીના વહેણની સાથે સાથે કાંપ અને ઝાડ પાન આવતા હોય છે તેનો વ્યાપ વધતા પાણીનું સ્તર ઊંચું આવે છે અને પાણીનો સંગ્રહ પણ ઓછો થાય છે. જેને કારણે દર વર્ષે નદીની સફાઈ કરવી જરૂરી બને છે. પર્યાવણવિદનું કહેવું છે કે જો દર વર્ષે નદીની સફાઈ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા અને પ્રદૂષણમાં ઘટાડો જોવા મળે છે. પરંતુ દર વર્ષે સફાઈ ન થતા અનેક વર્ષો બાદ સફાઈ કરવામાં આવી રહી છે.
નદીઓની સફાઈ જરૂરી છે કારણ કે નદીઓમાં પ્રદૂષણથી જળચરો અને ઇકોસિસ્ટમને નુકસાન થાય છે. સફાઈથી જૈવવિવિધતા જળવાય છે. નદીઓ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પ્રદૂષિત નદીઓથી આરોગ્યને જોખમ થાય છે. સ્વચ્છ નદીઓ ખેતી અને ઉદ્યોગો માટે શુદ્ધ પાણી પૂરું પાડે છે, જે આર્થિક વિકાસ માટે જરૂરી છે. નદીઓ ઘણી સંસ્કૃતિઓમાં પવિત્ર માનવામાં આવે છે. તેમની સફાઈથી સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યો જળવાય છે. ગંદકી અને કચરાથી નદીઓનો પ્રવાહ અવરોધાય છે, જે પૂરનું જોખમ વધારે છે. સફાઈથી આ રોકી શકાય. સ્વચ્છ નદીઓ પર્યટનને પ્રોત્સાહન આપે છે અને નદીકિનારાનું સૌંદર્ય વધારે છે.
દેશની 513 પ્રદૂષિત નદીઓ પૈકીની એક સાબરમતી નદીનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ સાબરમતી નદીમાં જ ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતિ નદીમાં વરસાદી પાણી છોડવા માટે 26 આઉટલેટ આપવામાં આવ્યા છે છતાં કેમિકલ અને ગંદુ પાણી આજ આઉટલેટથી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે નદી ગંદી થઈ રહી છે. GPCB અને હાઇકોર્ટની ફટકાર બાદ પણ જાણે કે તંત્ર ન સુધર્યું હોય તેવા દ્રશ્યો ન્યૂઝ કેપિટલ ન કેમેરામાં કેદ થયા છે.
સાબરમતી નદીની સફાઈ 6 વર્ષ અગાઉ કરવામાં આવી હતી, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ અભિયાનમાં જોડાયા હતા અને નદીની સફાઈ કરવામાં આવી હતી. એ સમયે 500 ટનથી વધુ કચરો કાઢવામાં આવ્યો હતો અને લોકોને પણ નદીમાં ગંદકી ન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. અનેક લોકો પૂજાપો નદીમાં નાખતા હોય છે અનેક કચરો નાખવામાં આવતો હોય છે. ત્યારે હવે જન ભાગીદારીથી સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. લોકો પણ કહી રહ્યા છે કે લોક ભાગીદારી નહી હોય તો આ કાર્ય શક્ય નહીં બને.
તો બીજીતરફ વિપક્ષે સાબરમતીની સફાઈને ભ્રષ્ટાચારનો એપી સેન્ટર ગણાવ્યું હતું. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ પૂછેલા પ્રશ્નમાં વર્ષ 2019થી 2022 સુધી સાબરમતી નદીની સફાઈમાં 282.17 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. એટલે કે વાર્ષિક 90 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 2022થી 2024 સુધીમાં બીજા કરોડો રુપિયા ખર્ચવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, આ કાંપ અને કચરો ક્યાં ઠાલવવામાં આવશે તેનો કોઈ ફોડ પડ્યો નથી. નદીમાં મોટા પ્રમાણમાં લીલ જામેલી જોવા મળે છે. એક તરફ હાઈકોર્ટ અનેકવાર ટકોર કરી હોવા છતાં પણ હજુ સુધી ક્લીન થઇ નથી. 2021 હાઇકોર્ટ ફટકાર લગાવી હોવા ઉપરાંત GPCB દ્વારા અનેક ટકોર છતાં ગટર અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે.
તો હાલ તો ઉનાળાનો સમય છે અને અનેક મુસાફરો અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ફરવા આવી રહ્યા છે. ત્યારે અટલ બ્રિજ અને ક્રૂઝની રોનક ઓછી થઈ છે. તો બીજીતરફ નદીની સફાઇના ફાયદા વિશે પણ અભિયાન સરકારે ચલાવવુ જોઇએ.