February 16, 2025

સરખેજમાં કેન્ટીનમાં તોડફોડ કરી આગ ચાંપનારા 2 આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરના મકરબા વિસ્તારમાં આવેલી કેન્ટીનમાં તોડફોડ કરીને આગચંપી કરનારા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. કંપનીમાં રાખેલી ભાડે ગાડી બંધ કરી દેતા તેની અદાવત રાખીને યુવકે મિત્રો સાથે કેન્ટીનમાં આવી તોડફોડ કરી હતી. આરોપી યુવકની ગેરવર્તણૂકના કારણે તેની ગાડી બંધ કરી દેવામાં આવી હતી.

સરખેજના મકરબા વિસ્તારમાં ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કમાં આવેલા કિચન કિંગ હોસ્પિટાલિટી કેન્ટીનમાં બે યુવકો દ્વારા તોડફોડ કરીને જ્વલનશીલ પદાર્થ નાંખીને આગ ચાંપી દીધી હતી. આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓ સંડોવાયેલા છે. જેમાં પોલીસને સફળતા મળતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. સરખેજ પોલીસે મોહંમદ વસીમ સૈયદ અને અતાઉર રહેમાન પઠાણ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક ફરાર આરોપી મઝહરખાનને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી મોહંમદ વસીમ સૈયદ અગાઉ આઇએમએસ કંપનીમાં કોન્ટ્રાક્ટથી ઇકો કાર ચલાવતો હતો. જો કે, ચારેક મહિના અગાઉ તેની ગાડી કંપનીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી. આ કેન્ટીન આઇએમએસ કંપનીની જ હોવાનું સમજીને તેના મિત્ર અતાઉર રહેમાન પઠાણ સાથે મળીને તેણે આ ગુનો આચર્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગ કરેલી ઇકો કાર અને બે મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, વસીમની મહિલા કર્મચારીની ગેરવર્તણૂકના કારણે તેની ગાડી બંધ કરી દેવામાં આવી હતી.