SMCના PSIને ગાર્ડ ઓફ ઓનર આપ્યું, ઉચ્ચ અધિકારીઓ અંતિમયાત્રામાં પહોંચ્યા
અમદાવાદઃ અકસ્માતમાં મોત થયેલા SMCના PSIને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. જુહાપુરામાં SMCના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. PSIની અંતિમયાત્રામાં SMCના SP નિલિપ્ત રાય સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સગા સંબંધીઓ ઉપસ્થિતિમાં અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.
કેવી રીતે થયું હતું મોત?
SMCના જેએમ પઠાણે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. સફેદ કલરની ક્રેટા કારમાં દારૂ લઈ જતો હોવાની બાતમી મળી હતી. ક્રેટા ગાડીનો પીછો કરતા પોલીસની ખાનગી ફોર્ચ્યુનર કાર ટ્રેલર સાથે અથડાતા મોત નીપજ્યું હતું. પીએસઆઇને માથા અને શરીરના ભાગે ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે પોલીસ કર્મીઓને ઇજા પહોંચતા સારવાર અર્થે વિરમગામ ખસેડવામાં આવ્યા છે.
SMCના PSIના અકસ્માત મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના સૂચનાથી DYSPના માર્ગદર્શન હેઠળ ચાર ટીમો બનાવવામાં આવી છે. અલગ અલગ ચાર ટેક્નિકલ ટીમો દ્વારા CCTV કેમેરા સહિતની તપાસ હાથ ધરવામાં આવશે. જિલ્લાની એલસીબી SOGની ટીમ તપાસ અર્થે કામે લાગી છે.
આ ઉપરાંત પાટડીના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ છે કે, ‘PSIના મોત મામલે રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ડ્રગ્સ માફિયા અને બુટલેગરોનું રાજ છે. ગુજરાત SMCએ બુટલેગરની ગાડી પર રેડ કરવા જતા ગાડી માથે ચડાવી અકસ્માત સર્જી મોત નીપજાવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથડતી હાલતમાં છે. હાલ જનતાને જાગવાની જરૂર છે. ગુજરાતનું યુવાધન નશાની હાલતમાં છે.’