December 22, 2024

અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણી 29મી સપ્ટેમ્બરે યોજાશે, જાણો પેનલે શું વાત કરી

મિહિર સોની, અમદાવાદઃ અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણી વિવાદિત બની રહે તેવી શક્યતાઓ વચ્ચે આજરોજ પરિવર્તન પેનલના ઉમેદવાર રાજેશ બ્રહ્મભટ્ટ દ્વારા પત્રકાર પરિષદ કરી ચૂંટણીલક્ષી મુદ્દાને લઈને માહિતી આપવામાં આવી હતી. જેમાં આગામી 29 સપ્ટેમ્બરના રોજ સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. તેમાં પરિવર્તન પેનલ તરફથી અનેક માગો અને વિવાદ દૂર કરવાની વાત કરવામાં આવી છે.

વર્ષો જૂની ક્લબમાં નોનવેજનું વેચાણ થતું હોવાનું વાત પણ કરવામાં આવી છે. આ સ્પોર્ટ્સ ક્લબમાં આશરે નવ હજાર જેટલા સભ્યો નોંધાયેલા છે. તેમાં જૈન સંપ્રદાય અને સનાતન હિંદુ ધર્મના લોકો આશરે 5000 જેટલા હોવાથી નોનવેજ બંધ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ સભ્યો નોંધાયેલા છે તેમની એન્યુઅલ ફી હાલમાં 15,000થી વધુ હોવાથી તે ફક્ત 999 રૂપિયા કરવામાં આવશે.

નવી કલબની જગ્યાના રૂપિયા પરત મેળવી અને તે તમામ રૂપિયા સભ્યો વચ્ચે ફાળવવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. ક્લબમાં આવેલી રૂમનું ભાડું પણ હાલના સમયમાં ખૂબ મોંઘુ હોવાથી તેને સસ્તુ કરવાની વાત પણ આ ચૂંટણી એજન્ડામાં કરવામાં આવી છે. આ સાથે જ પરિવર્તન પેનલની સામે એકતા પહેલા સભ્યો પણ ઊભા રહેલા છે.

આ સમગ્ર સ્પોર્ટ્સ ક્લબની ચૂંટણીમાં ચૂંટણી કમિશનર તરીકે સિનિયર ધારાશાસ્ત્રી સુધીર નાણાવટીની નિમણૂક પણ કરવામાં આવી છે. પારદર્શક રીતે ચૂંટણી યોજવામાં આવે તેવી માગ પરિવર્તન પેનલના સભ્યો કરી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈને ઉમેદવાર રાજેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે, 9000 સભ્યોમાંથી મોટાભાગના લોકો અમારી જોડે હોવાના દાવા કરી રહ્યા છે. જો કે, ચૂંટણીના પરિણામ બાદ સભ્યો કોને જીત અપાવે છે તે જોવું રહ્યું.