December 22, 2024

આવકવેરાને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યું

સુપ્રીમ કોર્ટ - ફાઇલ તસવીર

જયેશ ચૌહાણ, અમદાવાદઃ દેશમાં મોટી સંખ્યામાં નોકરીયાત વર્ગ વસવાટ કરે છે. ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટની બેન્ચે ઇન્કમટેક્સને લઇ ચુકાદો આપતા કહ્યું છે કે, કર્મચારીએ માલિક પાસેથી વ્યાજના રાહતદરે લોન લીધી હોય તો તેને પગારનો ભાગ ગણી કર્મચારી પાસેથી ઇન્કમટેક્સ વસૂલી શકાય છે. આ ચુકાદો વિશેષ દેશના બેન્ક કર્મચારીઓ માટે મોટો ઝટકો માની શકાય. કારણ કે, બેન્ક કર્મચારીઓના સંગઠને આવકવેરા વિભાગના એક નિયમને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો.

બેન્ક કર્મચારીઓના સંગઠનોએ સુપ્રીમકોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે, કર્મચારીઓને મળતી વ્યાજમુક્ત લોન સુવિધાને કર હેઠળ આવરી લેવામાં આવે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 17(2)(viii) અને 1962ની કલમ 3(7)(i) અંતર્ગત કરવેરાને આધીન છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાએ ચુકાદો આપતા જણાવ્યુ કે, અનુલાભ કર્મચારીની સ્થિતિ સાથે જોડાયેલો વધારાનો લાભ છે. કર્મચારી હોદ્દાની રુએ લાભ મેળવે છે. જો તે કર્મચારી ન હોય તો તેને રાહતના વ્યાજદરનો લાભ મળ્યો ન હોત માટે કર્મચારીને મળેલી રાહત આવકનો એક ભાગ ગણી શકાય અને જેના પર નિયત દરે ઇન્કમટેક્સ ભરવાની જવાબદારી કર્મચારીની હોય છે.

આ પણ વાંચોઃ નર્મદામાં ન્હાવા પડેલા 8 પ્રવાસીઓ ડૂબ્યાં, એકને રેસ્ક્યૂ કરી બચાવ્યો

બેન્ક કર્મચારીઓને બજાર દર કરતાં અડધા દરે હાઉસિંગ લોન આપતી હોય છે. ઇન્કમટેક્સ વિભાગે બજાર દર અને બેન્ક દરે આપેલા રાહત દરની ગણતરીના આધારે ટેક્સની જવાબદારી નક્કી કરતુ હોય છે જેને સુપ્રીમકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે નિષ્ણાંત CA ચંદ્રકાંત ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, કોઈપણ કંપની કે NTT એમના કર્મચારીને લોન આપે તો તે લોન પરનું વ્યાજ છે, એ ટેક્સેબલ ઇન્કમ ગણાય છે. IT એક્ટમાં આ બાબતની જોગવાઈ પણ છે. કોઈપણ NTT કે કંપની રૂ. 50 હજારથી વધુની લોન પોતાના કર્મચારીને આપે છે તો તે બજાર અથવા બેંકના નિયત વ્યાજદર મુજબ ઇન્કમટેક્સ ચૂકવવું પડશે. આ પ્રકારના ટેક્સ પ્લાનિંગથી સરકારને આવક નહોતી થઈ રહી જેના કારણે આ પ્રકારની જોગવાઇ ઇન્કમટેક્સ દ્વારા કરવામાં આવી છે. અહીં એ બાબત પણ મહત્વની છે કે, જે કર્મચારીની આવક ટેક્સેબલ છે અને તે રૂ. 50 હજારથી વધુની લોન મેળવે છે.