December 27, 2024

ભરશિયાળે અમદાવાદમાં કમોસમી વરસાદ, પૂર્વ વિસ્તારમાં છાંટા પડ્યાં

અમદાવાદઃ શહેરમાં ભરશિયાળે માવઠું પડ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભરશિયાળે કમોસમી વરસાદ પડતા ઠંડીમાં વધારો થશે. મહત્વનું છે કે, હવામાન વિભાગ સહિત અંબાલાલ પટેલે પણ હવામાનની આગાહી કરી હતી.

હવામાન વિભાગની વરસાદની આગાહી
રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરશિયાળે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે આ મામલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની શક્યતા છે. ગાજવીજ, ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. આવતીકાલે પણ રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’

રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં હિલસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં પલટો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે રવી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી શક્યતા છે.