અમદાવાદમાં 500ની નોટ માટે મિત્રએ જ મિત્રની કરી હત્યા, છરીના ઘા ઝીંકી પતાવી દીધો
મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં 500 રૂપિયાની ચલણી નોટના લીધે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. નોટને લઈને મિત્રો વચ્ચે થયેલા ઝઘડા બાદ યુવકની હત્યા કરવામાં આવી હતી. બે મિત્રોએ છરીના ઘા ઝીંકીને મિત્રની હત્યા કરી નાંખી છે. વાસણા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે આ મામલે આરોપી સૂરજ ઉર્ફે ઇન્ડો રાવળ છે. જેની મિત્ર જીગ્નેશ ઉર્ફે જીગો પરમારને છરીના ઘા ઝીંકીને હત્યા કરી છે. આ ઘટનાની વાત કરીએ તો, 20 જાન્યુઆરીના રોજ બપોરના સમયે મૃતક જીગ્નેશ પરમાર ચાર મિત્રો ઋત્વિઝ ગહેલોત, અજય ઠક્કર, સંજય ઉર્ફે સંજયો રબારી અને સૂરજ રાવળ વાસણાના દેવાશ ચાર રસ્તા નજીક કન્સ્ટ્રકશન સાઇટ પર બેઠા હતા. ત્યારે સૂરજ રાવળની 500ની નોટ મળતી નહોતી.
સૂરજે મૃતક પાસે 500ની નોટ માગી હતી, પરંતુ મૃતકે સંજય રબારીએ નોટ લીધી હોવાનું કહ્યું હતું. જેથી આરોપીએ બધાના ખિસ્સા તપાસ કર્યા તો જીગ્નેશના ખિસ્સામાંથી નોટ આવી હતી. જેથી ત્રણેય મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર થતા આરોપી સૂરજ અને સંજયે છરીના ઘા ઝીંકીને જીગ્નેશની હત્યા કરી દીધી હતી. આ ઘટનાની જાણ ઋત્વિઝ ગહેલોતે મૃતકના પરિવારને કરી હતી. વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સૂરજ રાવળની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક જીગ્નેશ પરમાર અને આરોપી સૂરજ રાવળ તેમજ સંજય રબારી મિત્રો હતા. તેમની વચ્ચે અવારનવાર મજાક મસ્તી થતી રહેતી હતી. બપોરે પાંચ મિત્રો વાતો કરવા મળ્યા હતા, ત્યારે 500ની નોટના કારણે મજાક મસ્તીએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું હતું અને મિત્રોએ જ મિત્રની હત્યા કરી દીધી હતી. પકડાયેલા આરોપી સૂરજ ગુનાહિત માનસિકતા ધરાવે છે. તેની વિરુદ્ધ અગાઉ હત્યાના પ્રયાસ, મારામારી અને પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. આ હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર સંજય રબારી હજુ ફરાર છે. જેથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
વાસણા પોલીસે હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ હત્યા ફક્ત 500ની નોટને લઈને થયેલા ઝઘડાની અદાવતમાં જ થઈ છે કે અન્ય કોઈ કારણ છે, જેને લઈને પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.