January 15, 2025

વસ્ત્રાપુરમાં વૃદ્ધની લૂંટ-હત્યા કેસમાં દંપતીની ધરપકડ, CCTVને આધારે ભેદ ઉકેલાયો

મિહિર સોની, અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરમાં NRI વૃદ્ધની હત્યા અને લૂંટ કેસનો ભેદ ઉકેલાયો છે. આ મામલે પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. પૈસા માટે સ્પામાં કામ કરતી મહિલાએ પતિ સાથે મળીને લૂંટ અને હત્યાની અંજામ આપ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે હત્યાનો ગુનો ઉકેલ્યો છે.

પોલીસે આ મામલે દંપતી આનંદ ઠાકોર અને નીલોફર ઉર્ફ હીના શેખની ધરપકડ કરી છે. આ દંપતીને વસ્ત્રાપુરમાં વૃદ્ધની હત્યા અને લૂંટ કેસમાં ધરપકડ કરી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા મોહિની ટાવરના ડી બ્લોકના આઠમા માળે રહેતા 75 વર્ષીય કનૈયાલાલ ભાવસારનો બે દિવસ પહેલા તેના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.

વસ્ત્રાપુર પોલીસે તપાસ કરતા વૃદ્ધના ઘરે એક મહિલા અને પુરુષની શકાસ્પદ અવર જવર CCTV કેમેરામાં કેદ થઈ હતી. જ્યારે મૃતક કનૈયાલાલે પણ એક મહિલાની રજિસ્ટ્રેશન વગર એન્ટ્રી આપવાની સૂચના સિક્યોરિટી ગાર્ડને આપી હતી. જેથી હત્યા પાછળ મહિલાની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. પોલીસે કોલ ડિટેઇલ્સ અને CCTV ફુટેજથી આરોપી સુધી પહોંચી હતી અને હત્યા-લૂંટનો ભેદ ઉકેલીને દંપતીની રિલિફ રોડથી ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી આનંદ ઠાકોર અને નિલોફર ઉર્ફ હીનાએ પ્રેમ લગ્ન કર્યા હતા. આનંદ ઠાકોર રીક્ષા ચલાવે છે. જ્યારે નીલોફર ઉર્ફ હીના મૂળ મુંબઈની રહેવાસી છે અને અમદાવાદમાં સ્પા સેન્ટરમાં કામ કરે છે. મૃતક વૃદ્ધ કનૈયાલાલ કેનેડામાં રહે છે. તેઓ દોઢ વર્ષ પહેલાં નિલોફરના સંપર્કમાં આવ્યા હતા. વૃદ્ધ જ્યારે કેનેડાથી અમદાવાદ આવે ત્યારે નિલોફરને મસાજ કરવા ઘરે બોલાવતા હતા. 13 જાન્યુઆરીના દિવસે પણ વૃદ્ધ કનૈયાલાલ મિટીંગનું કહીને કરમસદથી અમદાવાદ આવ્યા હતા.

તેમણે નિલોફરને ઘરે મસાજ કરવા બોલાવી હતી. પૈસાની જરૂરિયાત હોવાથી નિલોફર અને તેના પતિ આનંદ ઠાકોરે ચોરીનું ષડ્યંત્ર રચ્યું હતું. નિલોફર ઘરે પહોંચી એટલે તેને દરવાજો ખુલ્લો રાખ્યો હતો અને વૃદ્ધને દારૂ પીવડાવીને અર્ધબેભાન કરવાનો હતો. જેથી આનંદ ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરી શકે. પરંતુ આનંદને ઘરમાં પ્રવેશતા વૃદ્ધ જોઈ ગયા હતા. જેથી દંપતીએ ગળું દબાવીને હત્યા કરીને સોનાના દાગીના, મોબાઈલ અને કિંમતી વસ્તુની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આરોપીઓ વૃદ્ધની કિંમતી વસ્તુઓ વેચીને ફ્લાઈટમાં મુંબઈ ફરાર થવાના હતા. તેમને વૃદ્ધનો આઈફોન રૂપિયા 1 હજારમાં વેચી દીધો હતો. પરંતુ પોલીસે ટેક્નિકલ એનાલિસિસથી દંપતીને પકડી લીધા હતા. તેમની પાસેથી લૂંટના એપલ કંપનીનો મોબાઈલ, રાડો કંપની અને લોબોર કંપનીની ઘડિયાળ તેમજ 10 અને 5ના દરની ચલણી નોટોના બંડલ જપ્ત કર્યા છે. આ દંપતીએ અન્ય કોઈ ગુનો આચર્યા છે કે નહીં તે મુદ્દે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી.