વેજલપુરમાં 40 વર્ષ જૂની સોસાયટીના 24 પરિવારોને બે દિવસમાં ઘર ખાલી કરવાની નોટિસ; સરકારના હસ્તક્ષેપની માગ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ શહેરના વેજલપુર વિસ્તારમાં બિલ્ડર દ્વારા ક્રિષ્ના ટેનામેન્ટ રો હાઉસના રહીશોને ખાલી કરવાનું કહેતા હોબાળો મચ્યો હતો. રહીશોનો આક્ષેપ છે કે, તેઓ છેલ્લા 40 વર્ષની અહીં વસવાટ કરે છે અને ઇમ્પેક્ટ ફી પણ ભરી છે, ત્યારે તેમના ઘર કેમ ખાલી કરાવવામાં આવે છે.

સોસાયટીની નોટિસ લગાવવામાં આવતા ક્રિષ્ના રો હાઉસના રહીશો ચિંતામાં મુકાયા છે. આ સાથે આક્રોશમાં પણ છે. કારણ કે, તેમને તેમનું મકાન બે દિવસની અંદર ખાલી કરી દેવા માટે ચીમકી આપવામાં આવી છે. જો ખાલી નહીં કરવામાં આવે તો તેમનો સામાન બહાર ફેંકી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. વેજલપુર 132 ફૂટના રિંગ રોડ ઉપર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં 24 પરિવાર છેલ્લા 40 વર્ષથી રહે છે. સોસાયટીની બહાર સાત જેટલી દુકાનો પણ આવેલી છે. તેને તો બિલ્ડર દ્વારા ખાલી કરાવી દેવામાં આવી છે. અહીં વસવાટ કરતા પરિવારોને ચિંતા છે કે, તેઓ હવે ક્યાં રહેવા જશે. આ સમગ્ર મામલે સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી રહીશોની માગ છે.

આ મામલાની વાત કરવામાં આવે તો, આ જગ્યા ના મૂળ માલિક ગોતાજી ઝીણાજી ઠાકોર હતા. જેમણે ફુલસીંગભાઇ વિરમગામિયાને આ જમીન 1988માં આપી હતી અને આનો બાનાખત પણ કરવામાં આવ્યો હતો. બાનાખતને આધારે ફુલસિંગ વિરમગામિયાએ ડેવલપર પાસે સોસાયટીનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ આ મામલે ગોતાજી ઝીણાજી ઠાકોરે આ જ જમીન જયંતીભાઈ દેસાઈને પણ વેચી દીધી હતી.

ફુલસિંગભાઈ વિરમગામિયાએ ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગોતાજી ઝીણાભાઈ ઠાકોરે આ જમીન દારૂ પીવાની લતને કારણે જે-તે સ્ટેમ્પ પેપરનો ધંધો કરતા જયંતીભાઈ દેસાઈને પણ લખી આપી હતી. જયંતીભાઈ દેસાઈએ 1988 પહેલાંની તારીખના સ્ટેમ્પ ઉપર આની સહી કરાવી લીધી હતી. જેને કારણે તેઓ હાલમાં આ જમીન ઉપર પોતાનો હક કરી રહ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે ખોટું થયું છે અને ચુકાદો કોર્ટ દ્વારા જેન્તીભાઈ દેસાઈના પરિવાર તરફથી આવ્યો છે.

જમીન માલિકોની લડાઈમાં 24 પરિવારો પર રસ્તા ઉપર આવી ગયા છે. છેલ્લા 35 વર્ષથી રહેતા મહેન્દ્રભાઈ દેસાઈ કે જેમનું હાર્ટ ફક્ત 30 ટકા કામ કરી રહ્યું છે. તે પણ હવે ક્યાં રહેવા જશે તે પ્રશ્ન છે. મહેન્દ્રભાઈ દેસાઈનું કહેવું છે કે, તેમના પરિવારમાં પુત્ર, પુત્રવધૂ અને નાના બાળકો સહિત 15 લોકો એક છત નીચે વસવાટ કરે છે. સરકારની તમામ જરૂરિયાતો તેમના દ્વારા પૂર્ણ કરીને ઇમ્પેક્ટ ફી પણ ભરી દેવામાં આવી છે. ત્યારે સરકારી ચોપડે તેમનું નામ હોવા છતાં તેમને ખાલી કરવામાં આવી રહ્યું છે. તેમનું કહેવું છે કે, તેમને બે વાર હાર્ટ એટેક આવ્યો હતો અને હવે હાર્ટ ફક્ત 30% જ કામ કરી રહ્યું છે. આ સાથે તેમના દીકરાઓ પણ મજૂરી કરીને ઘરનું ગુજરાત ચલાવે છે. ત્યારે કેવી રીતે 15 લોકોને લઈને આ ઘર છોડીને જઈએ. તેમની માગ છે કે, સરકાર દ્વારા આ મામલે હસ્તક્ષેપ કરાવામાં આવે જેથી પરિવાર રસ્તા પર ન આવી જાય.