December 12, 2024

વૈષ્ણોદેવીના ભક્તો માટે મોટા સમાચાર, 2 મહિના માટે લગાવ્યો દારૂ-નોનવેજ પર પ્રતિબંધ

Vaishno Devi: મા વૈષ્ણો દેવીના ભક્તો અને આસપાસ રહેતા લોકો અને દુકાનદારો માટે મહત્વના સમાચાર છે. વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં કટરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પીયૂષ ધોત્રાએ પ્રતિબંધિત આદેશ જારી કર્યો છે. આદેશ અનુસાર, હવે કટરા અને મંદિરની આસપાસ દારૂ અને માંસાહારી વસ્તુઓનું વેચાણ નહીં થાય.

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લેતા તીર્થયાત્રીઓ માટેના બેઝ કેમ્પ કટરામાં દારૂ અને માંસાહારી ખોરાકના વેચાણ, કબજા અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ કટરાથી ત્રિકુટા ટેકરી પર સ્થિત પવિત્ર ગુફા અને તેની આસપાસના વિસ્તારોમાં 12 કિલોમીટરના માર્ગ પર લાગુ થશે.

આ પણ વાંચો: દારૂનો નાશ કરતી વેળા પોલીસે બે બેગ ભરી દારૂ ઉઠાવ્યો, વીડિયો વાયરલ થતા બદલી

તેમણે કહ્યું કે આ આદેશ જારી થયાની તારીખથી બે મહિના સુધી અમલમાં રહેશે. કટરા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પીયૂષ ધોત્રાએ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 હેઠળ કટરા અને આસપાસના વિસ્તારોમાં ઈંડા, ચિકન, મટન અને સી ફૂડ સહિત દારૂ અને માંસાહારી ખોરાકના વેચાણ, કબજા અને વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે.