February 24, 2025

ટ્રાફિકની સમસ્યાથી કંટાળી ગયા છો… તો લાવો ઉડતી કાર, જાણો કિંમત

California: ટ્રાફિક જામની સમસ્યા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના મોટા શહેરોમાં છે અને તેને ઉકેલવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલ્પના કરો કે જો તમે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હોવ અને તમારી પાસે એવી કાર હોય જે હવામાં ઉડી શકે અને તમને ટ્રાફિક જામમાંથી બહાર કાઢે, તો તે કેવું હશે? આ વિશે વિચારવું પણ તમને સ્વપ્ન જેવું લાગશે, પરંતુ એક અમેરિકન ઓટો કંપનીએ આ કરી બતાવ્યું છે.

અમેરિકન કંપની એલેફ એરોનોટિક્સે આકાશમાં ઉડતી કારનો પહેલો વીડિયો રિલીઝ કર્યો છે, જે કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મ જેવો દેખાય છે. કેલિફોર્નિયાના કાર નિર્માતાએ ઉડતી કારનો વીડિયો શેર કર્યો છે અને તેને શહેરમાં કાર ચલાવવાનું અને વર્ટિકલ ટેક-ઓફ કરવાનું ઇતિહાસનું પ્રથમ પરીક્ષણ ગણાવ્યું છે. આ ટેસ્ટનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખરીદવાનું વિચારી રહ્યા છે.

વીડિયોમાં કાર કેવી રીતે ઉડી રહી છે
કંપની દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં કાર રસ્તા પર પાર્ક કરેલી કાર પરથી ઉડતી જોવા મળી રહી છે. રસ્તા પર પાર્ક કરેલી કારથી થોડે દૂરથી જ કાર સીધી ઉડે છે, બાદમાં કારને ક્રોસ કર્યા પછી તે આગળ આવી જાય છે.

પ્રોપેલર બ્લેડને કવર કરનારી જાળીદાર બોડી સાથે ઇલેક્ટ્રિક પ્રપોલ્શન ઉપયોગ કરીને કાર જમીન પરથી ઉડી શકે છે. એક અહેવાલ મુજબ કંપનીએ પરીક્ષણ માટે એક પ્રોટોટાઇપનો ઉપયોગ કર્યો હતો જે એલેફ મોડેલ ઝીરોનું અલ્ટ્રાલાઇટ વર્ઝન ગણાવ્યું હતું.

કારની કિંમત કેટલી હશે?
આ કાર હજુ સુધી બજારમાં લોન્ચ થઈ નથી અને તેની કિંમત અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એલેફ એરોનોવિટ્ઝના મતે તેની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા હશે અને તે સામાન્ય કારની જેમ રસ્તા પર દોડી શકે છે.