અંબાજીમાં માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ચૈત્રી નવરાત્રિએ આવવા આમંત્રણ આપ્યું
વિક્રમ સરગરા, અંબાજીઃ શક્તિ ઉપાસનાનું પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રી મંગળવાર 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ત્યારે ચૈત્રી નવરાત્રીનું હિંગુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે. યાત્રાધામ અંબાજી ખાતે હાલથી જ મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં મા અંબાના દર્શને આવી રહ્યા છે. આ સાથે જ માઇભક્તો મા અંબાને નવરાત્રિમાં ઘરે પધારવા માટે આમંત્રણ આપી રહ્યા છે.
અંબાજીને આદ્યપીઠ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આગામી નવરાત્રિમાં નવ દિવસ માતાજી વિવિધ સવારી પર આરુઢ થઈને માઇભક્તોને દર્શન આપશે. વર્ષમાં અંદાજે 1.25 કરોડ કરતાં વધારે યાત્રિકો અંબાજી મંદિરે દર્શન કરતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ યાત્રિકોની મોટી સંખ્યામાં અંબાજી મંદિરમાં ભીડ જોવા મળી હતી. જ્યારે ચૈત્રી નવરાત્રી મંગળવારે 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે અને ચૈત્રી નવરાત્રીમાં સતત નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
આ સાથે જ માઇભક્તો માતાજીની ઉપાસના પણ કરતા હોય છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીની પૂજા-અર્ચનાનો ઉત્સવ શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના સાથે શરૂ થાય છે. ત્યારે હાલથી જ યાત્રાધામ અંબાજી મંદિરમાં યાત્રિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ધજા, ઢોલ-નગારાં સાથે ચાચર ચોકમાં ગરબે ઘૂમી રહ્યા છે. તો ઘણાં માઇભક્તો 56 ભોગ લઈને માતાજીને ધરાવી રહ્યા છે અને સાથે સાથે માતાજીને નવરાત્રીમાં પોતાના ઘરે તથા ગામે આવવા માટે માતાજીને નિમંત્રણ પાઠવી રહ્યા છે.