December 22, 2024

આઝાદી પહેલાંથી જતો પગપાળા સંઘ અંબાજી પહોંચ્યો, ટ્રસ્ટે-કલેક્ટરે સ્વાગત કર્યું

વિક્રમ સરગરા, અંબાજીઃ આ સંઘ આજે યાત્રાધામ અંબાજી પહોંચતા પ્રથમ ખોડિયાર માતાના મંદિરે માતાજીનાં થપ્પા લગાવ્યા હતા. આ પણ એક જૂની પરંપરા ચાલી રહી છે અને ત્યારબાદ અંબાજી મંદિરે સંઘ પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાય છે. સતત 190 વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ ડંડાવાળા સંઘના નામે ઓળખાય છે. લાલ ડંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ જગતજનનીના નિજ મંદિરે પહોંચે છે. અંબાજી મંદિરે પહોંચી વિધિવત્ લાલ ડંડાવાળો સંઘ માતાજીની પૂજા અર્ચના કરી માતાજીના મંદિરે ધજા ચઢાવે છે.

એવું કહેવાય છે કે, દેશમાં પ્લેગ નામની બીમારીએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે મા અંબાની બાધા રાખવામાં આવી હતી. મા અંબાના આશીર્વાદ સ્વરૂપે બીમારીનો ખાત્મો થતાં તેમણે બાધા પૂરી કરવા પગપાળા અંબાજી આવી માતાજીના આશીર્વાદ મેળવ્યો હતો. ત્યારથી સતત દર વર્ષે લાલ ડંડાવાળો સંઘ અંબાજી આવે છે.