ચૈત્રી પૂનમે ધજા-ગરબી લઈને અંબાજીમાં માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અંબાજીઃ ચૈત્રી પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઇભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઉલ્લેખનીય છે કે, ચૈત્રી પૂનમનું વિશેષ મહત્વ છે. તેને લઈને મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ભાદરવી પૂર્ણિમાની જેમ આ પૂર્ણિમાએ પણ મોટી સંખ્યામાં યાત્રિકો પગપાળા આવતા હોય છે.
ગુજરાતની હૃદયપીઠ ગણાતી પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં રોડ રસ્તા માઇભક્તોથી ભરાઈ ગયા છે. ચાચર ચોકમાં મા અંબાજીના નામનો જયઘોષ થઈ રહ્યો છે. વહેલી સવારથી ‘બોલ મારી અંબે, જય જય અંબે’નાં ગગનચૂંબી નાદથી શક્તિપીઠ ગૂંજી ઉઠી છે. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
આ પણ વાંચોઃ
વહેલી સવારથી જ અંબાજીના રોડ-રસ્તા ઉપર પદયાત્રિકો ધજા લઈને જોવા મળ્યા છે. આ સાથે જ ઢોલ-નગારાં અને ડીજેના તાલે ભક્તો ઝૂમતા નજરે પડ્યા છે. અંબાજી મંદિરનો ચાચર ચોક ભક્તોથી ઉભરાયો હતો. માતાજીના દર્શન માટે યાત્રિકોની લાંબી લાઇનો જોવા મળી છે. અંબાજી મંદિર અને ચાચર ચોક ભક્તોથી છલકાયું હતું. ચાચર ચોકમાં યાત્રિકો ધજા લઈને અને માથે ગરબા લઈને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા અને ચાચર ચોકમાં ‘બોલ મારી અંબે, જય જય અંબે’નો નાદ ગૂંજ્યો હતો.
ચૈત્રી પૂનમ નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રિકો ઘણાં વર્ષોથી સંઘ અને ધજા તથા ગરબી લઈ અંબાજીમાં પગપાળા યાત્રા કરી માતાજીના દર્શને આવે છે. ચૈત્ર મહિનામાં છેલ્લા ઘણા દિવસોથી અંબાજી ખાતે યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે ચૈત્રી પૂનમના દિવસે લાખો યાત્રિકો માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.