March 26, 2025

માંડલ-દેત્રોજથી 25 બસોમાં 1500 માતા-બહેનોએ અંબાજી યાત્રા કરી, હાર્દિક પટેલે CM અને હર્ષ સંઘવીનો આભાર માન્યો

અંબાજી યાત્રા: આજે ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અને ધારાસભ્ય હાર્દિક પટેલના સહયોગથી વિરમગામ વિધાનસભાના માંડલ અને દેત્રોજ તાલુકાની 25 બસોમાં 1500 માતા-બહેનોને અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા અને દર્શન યાત્રાએ મોકલવામાં આવી. દર્શન અને પરિક્રમાથી પરત ફરતી વખતે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા મહેસાણા ખાતે તમામ માતા-બહેનોને ભોજન કરાવ્યું અને સુખદ યાત્રાના અનુભવ જાણ્યા હતા.

હાર્દિક પટેલે કહ્યું કે માતા-બહેનોને તીર્થયાત્રા કરાવીએ એટલે માઁ ભગવતીની સેવા કરી કહેવાય, આવતા વર્ષે એક જ દિવસે વિરમગામ વિધાનસભામાંથી 200 બસોમાં 12000 માતા-બહેનોને અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા અને દર્શન યાત્રાએ મોકલવાનું આયોજન કરી રહ્યા છીએ. હું પુનઃ એકવાર ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરું છું.