અંબાલાલની વધુ એક આગાહી, 17 જુલાઈથી વરસાદી ગતિવિધિ શરૂ થશે
ગાંધીનગરઃ રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ વરસાદ મેઘ પ્રકારના વરસાદ થતો નથી અને સ્તરીય વાદળો બંધાતા નથી.
તેઓ વધુમાં જણાવે છે કે, ‘વાદળો અંગે જોઈએ તો લોપ્રેશર 1 હજાર કિલોમીટરનો ડાયામીટર અને 400 કિલોમીટરની ત્રિજ્યા છે. દેશના મધ્ય ભાગમાં થઈને વાદળોનો જમાવડો 500 કિલોમીટરમાં આવીને રોકાય જાય છે અને ફરી પાછો 500 કિલોમીટર ચાલે ત્યારે આવું હવાનું પ્રેશર બને તો ગુજરાતમાં સારો વરસાદ થાય. આ સ્થિતિમાં બંગાળના ઉપસાગરનું વહન વધુ સક્રિય રહેવું જોઈએ. અરબી સમુદ્રનું વહન વધુ સક્રિય રહેવું જોઈએ. બંને વચ્ચે ખાંચો ન પડવો જોઈએ તો આ વહન સારો વરસાદ લાવે. આ પ્રકારના હાલ વાદળો બનતા નથી. તેના કારણે રાજ્યમાં વરસાદ ખેંચાયો છે.’
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ‘દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ છે. ઉપલા લેવલના પવનો સાનુકૂળ નથી. જ્યાં સુધી વેપાર વાયુ બરાબર ન થાય અને બંગાળના ઉપસાગરનું વહન મજબૂત ન થાય અને અરબ સાગરનું વહન મજબૂત ન થાય તો સારા વરસાદની ગણતરી મૂકી શકાય નહીં. હાલ વાદળોની નબળી સ્થિતિના કારણે ખડખડ વૃષ્ટિ થઈ રહી છે. આગામી 18 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં દેશના પશ્ચિમ ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, ડાંગ, વલસાડના ભાગો સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદથી કોઈ ભાગમાં પૂરની સ્થિતિ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે.’
વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યુ છે કે, ‘અમદાવાદ, વડોદરા, આણંદ, પાદરા, જંબુસર, બોડેલી, કરજણ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની શકયતા રહે છે. અરવલ્લી, મોડાસાનાં ભાગોમાં સારો વરસાદ અને ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. કેટલાક ભાગોમાં વરસાદ થયો નથી તે પણ ભાગમાં વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સહિત કચ્છના ભાગોમાં થશે વરસાદ. વરસાદની ગતિવિધિ 17 જુલાઈથી શરૂ થશે.’