October 4, 2024

રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડર પાટણની મુલાકાતે, રાણીની વાવ અને પટોળા હાઉસની મુલાકાત લીધી

પાટણ: રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડર લાઝર વુકાડિનોવિક (LAZAR VUKADINOVIC) પાટણ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. પાટણ જિલ્લાની મુલાકાત દરમિયાન રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડરએ વિશ્વ હેરિટેજમાં સ્થાન પામેલ રાણીની વાવ અને પાટણના પટોળા હાઉસની મુલાકાત લીધી હતી.

પાટણની ઓળખ બનીને ઊભરી આવેલ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત સમયે રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડર લાઝર વુકાડિનોવિક બેનમૂન નકશીકલાને નિહાળી અભિભૂત થયા હતા. તેમણે રાણીની વાવની અદભૂત કોતરણી જોઈ હર્ષની લાગણી અનુભવી હતી. રાણીની વાવની મુલાકાત પછી લાઝરે પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. જ્યાં પટોળા બનાવટની સમગ્ર પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. પટોળાનું વણાટ કામ તેમજ તેના ઐતિહાસિક મૂલ્યની વિગત પણ મેળવી હતી. રાણીની વાવ અને પટોળાની મુલાકાતથી અભિભુત થઈને તેમને વિઝીટર બુકમાં મુલાકાત વિશે નોંધ કરી હતી.

રિપબ્લિક ઓફ સર્બિયાના એમ્બેસેડરની રાણીની વાવ અને પટોળાની મુલાકાત દરમ્યાન નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ સાથે અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.