November 22, 2024

અંબિકા અને કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવી, તંત્રમાં દોડધામ

નવસારી: નવસારી સહિત ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર આવી જતા બીલીમોરા અને ગણદેવી તાલુકાના ગામડામાં પાણી ઘુસી જવાની ઘટના બની છે. અંબિકા અને કાવેરી નદી બેકાબૂ બની જતા તંત્રમાં દોડધામ મચી છે.

ગત રાત્રીથી પાણી ભરાઈ જવાની શરૂઆત થતાં શહેરનો 40 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણે શિફ્ટિંગ કરવાનો વારો આવ્યો હતો સાથે ઘણા ઘરોમાં ગૂંટણ કરતા પણ ઉપર પાણી ભરાયા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં નવસારીના ત્રણ તાલુકાઓમાં મેઘ તાંડવ સર્જાયું છે. નવસારીના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં મૂશળધાર વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: ચંદ્રદેવે શાપમાંથી મુક્ત થવા કરી મહાદેવની તપશ્ચર્યા, સૌરાષ્ટ્રના દરિયાકિનારે સ્થાપ્યું પ્રથમ જ્યોતિર્લિંગ

ધોધમાર વરસાદને કારણે નવસારીની અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. સવારે 6 વાગ્યાની સ્થિતિ પ્રમાણે અંબિકા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જ્યારે કાવેરી અને પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઘણી જ નજીક આવી ગઇ છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે વાંસદા પોલીસની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વાંસદા તાલુકામાં આવેલા અંતરિયાળ વાંગણ ગામે 1200થી વધુ પ્રવાસીઓને બચાવ્યા છે.

બીજી તરફ આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં વલસાડ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.